Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગિફ્ટ સિટી ખાતે અત્યાધુનિક સુવિધા સાથે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરાશે

  • July 27, 2022 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ગિફ્ટ-IFSCની મુલાકાત લઈ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નું લોકર્પણ કરશે, જેમાં દેશભરના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનશ્રી એ વર્ષ ૨૦૧૭માં કલ્પના કરી હતી કે, આગામી ૧૦ વર્ષમાં ગિફ્ટ સિટી વિશ્વના સૌથી મોટા વ્યાપારિક સાધનો જેવા કે કોમોડિટીઝ, કરન્સી, ઈક્વિટી, વ્યાજ દર હોય કે અન્ય કોઈપણ નાણાકીય સાધન હોય, તે પૈકી ઓછામાં ઓછા કેટલાક નાણાંકીય સાધન માટે ભાવ નિર્ધારક બનવું જોઈએ. IFSCAનો હેતુ બુલિયન ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે, જેનાથી ભારતને આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ પ્રભાવક અને પ્રાઈસ સેટર તરીકેની ઓળખ પ્રાપ્ત થશે.


વાર્ષિક આશરે ૧,૦૦૦ ટનની સોનાની માંગ સાથે ભારત સૌથી મોટા આયાતકારોમાંનું એક છે. સોનાનું સૌથી મોટું ઉપભોક્તા હોવા છતાં ભારત સોનાની આંતરરાષ્ટ્રીય કિંમતો નક્કી કરવામાં મર્યાદિત ભૂમિકા ભજવે છે. આથી વડાપ્રધાનશ્રીએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)ની સ્થાપના માટે સપનુ જોયું હતું, જે આજે વાસ્તવિક સંસ્થા તરીકે આકાર પામવા જઈ રહ્યું છે.આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં બુલિયન ઇકોસિસ્ટમ વિકસાવવા માટેના કરાયેલા સુધારામાં સંગઠિત બજાર તરીકે પરિવર્તન કરવું, સ્થાનિક જ્વેલર્સ દ્વારા કરાતી આયાત, IFSC ખાતે સોનાના સંગ્રહ માટે વૉલ્ટિંગ સુવિધાઓ, સોનાનું નાણાકીયકરણ કરવું વગેરે મુખ્ય સુધારા છે.


આ એક્સચેન્જ બુલિયન ટ્રેડીંગને સંગઠિત બજાર તરીકે પરિવર્તન કરવા માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બુલિયન ડિપોઝિટરી રિસિપ્ટ્સ(BDRs)ના ઓર્ડર મેચિંગ, ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ માટે ટેક્નોલોજી આધારિત મિકેનિઝમ્સ પ્રદાન કરશે, જે ભૌતિક બુલિયન દ્વારા સમર્થિત સુરક્ષા છે. વિવિધ વેપારીઓ-રોકાણકારો સહિતના સહભાગીઓને ટ્રેડિંગ એવન્યુ પ્રદાન કરવા ઉપરાંત, IIBX કિંમતની સંશોધન, ડિસ્ક્લોઝર્સમાં પારદર્શિતા, ગેરંટીકૃત કેન્દ્રિય ક્લિયરિંગ અને ગુણવત્તાની ખાતરીના ફાયદા પણ પ્રદાન કરશે.


વધુમાં, IFSCA એ સંઘર્ષ-અસરગ્રસ્ત અને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાંથી ખનિજોની જવાબદાર સપ્લાય ચેઇન માટે OECD ડ્યુ ડિલિજન્સ ગાઇડન્સનું પાલન ફરજિયાત કરીને IIBX દ્વારા વિતરણ કરવામાં આવતા બુલિયનના સ્રોતની અખંડિતતા સુનિશ્ચિત કરી છે.૧૯૯૦ બાદ થયેલા સુધારા અંતર્ગત નામાંકિત બેંકો અને એજન્સીઓ સહિત IFSCA દ્વારા સૂચિત કરાયેલા માપદંડો મુજબ લાયકાત ધરાવતા જ્વેલર્સને IIBX  દ્વારા સોનાની સીધી આયાત કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. આમ, જ્વેલર્સની સીધી ભાગીદારીની પરવાનગી આ સુધારાનું મહત્વનું પાસું છે.


ગિફ્ટ સીટી-IFSC ખાતે સોના માટે આશરે ૧૨૫ ટન અને ચાંદી માટે ૧,૦૦૦ ટન સુધીની સંગ્રહ ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત SEZમાં કોઈપણ એકમ કે જેને IIBX પર ટ્રેડિંગ માટે બુલિયન સ્પોટ ડિલિવરી કોન્ટ્રાક્ટ અને BDR ઇસ્યુ કરવા માટે બુલિયન સ્ટોર કરવાની મંજૂરી આપવામાં આવી છે, તેને IFSCમાં એક એકમ તરીકે માન્ય રાખવામાં આવશે. ભારતના તમામ ચાવીરૂપ બુલિયન કેન્દ્રો પરની સંગ્રહ સુવિધાઓ સમગ્ર દેશમાં જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો માટે બુલિયન પૂરું પાડવા માટે  ગિફ્ટ-IFSC ખાતે IIBX  ટ્રેડિંગ હબ તરીકે સેવા આપશે.સોનાનું નાણાકીયકરણ કરવાની દિશામાં IFSCA એ ગોલ્ડ અને સિલ્વર ETF જેવા ઉત્પાદનો માટે પહેલેથી જ એક નિયમનકારી માળખું પૂરું પાડ્યું છે, જે વિવિધ રોકાણકારો દ્વારા IIBX પર સહભાગિતાને પ્રોત્સાહિત કરશે. આગામી સમયમાં ગોલ્ડ સંબંધિત વિવિધ ઉત્પાદનો માટે બુલિયન લીઝિંગ, ગોલ્ડ લોન, બીડીઆર સામે ધિરાણ, ડોરે(કાચું સોનું) અને ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટ્સ/ગોલ્ડ એક્યુમ્યુલેશન પ્લાન્સ વગેરે માટે પ્રોજેક્ટ ધિરાણ જેવી પ્રવૃત્તિઓ માટે ગિફ્ટ-આઈએફએસસી એક હબ તરીકે ઉભરી આવશે.


ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)ની પૂર્વભૂમિકા

વર્ષ ૨૦૧૮માં, નીતિ આયોગે સોનાના બજારમાં આવી રહેલાં પરિવર્તન અંગેના એક વિસ્તૃત અભ્યાસમાં ભલામણ કરી હતી કે, વૈશ્વિક બજારના સહભાગીઓ અને તમામ સોનાની આયાત-નિકાસ માટે પ્રાથમિક મધ્યસ્થી બનવા માટે ભારત સરકાર શરૂઆતમાં વેપાર માટે સ્થળની પસંદગીમાં વધારાના વિકલ્પ તરીકે ગિફ્ટ-IFSCમાં બુલિયન એક્સચેન્જની સ્થાપના કરવાનું વિચારી શકે છે.તેમજ કેન્દ્રીય બજેટ ૨૦૧૮-૧૯માં તત્કાલિન નાણામંત્રી સ્વર્ગીય શ્રી અરુણ જેટલીએ જાહેરાત કરી હતી કે સરકાર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં તમામ નાણાકીય સેવાઓની દેખરેખ માટે એકીકૃત નિયમનકારી સંસ્થાની સ્થાપના કરાશે. આનાથી ભારતમાં IFSCsમાં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર, ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ની સ્થાપનાનો માર્ગ મોકળો થયો.કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧માં, નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ગિફ્ટ સિટીમાં IFSC ખાતે આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જની સ્થાપનાની જાહેરાત કરી હતી.


કેવી રીતે કરવામાં આવી IIBXની સ્થાપના

વડાપ્રધાન શ્રી નરેન્દર્ભાઈ મોદીના વિઝનથી પ્રેરિત અને બજેટની જાહેરાત હેઠળના આદેશથી ચોથી ડિસેમ્બર. ૨૦૨૦ના રોજ IFSCA (બુલિયન એક્સચેન્જ) રેગ્યુલેશન્સ, ૨૦૨૦ અંતર્ગત નિયમો ઘડવામાં આવ્યાં, જે બુલિયન એક્સચેન્જ અને પાંચ અગ્રણી ઇન્ડિયન માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સ (MIIs)ના સંઘ દ્વારા બુલિયન ક્લિયરિંગ કોર્પોરેશનના સમાવેશ માટેનો માર્ગ મોકળો કરે છે.

ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX), ગિફ્ટ-IFSC ખાતે પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને વિશ્વમાં આ પ્રકારનું માત્ર ત્રીજું એક્સચેન્જ છે, જે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL), ઈન્ડિયા INX ઈન્ટરનેશનલ એક્સચેન્જ (IFSC) લિમિટેડ (INDIA INX), મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (MCX), નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (NSE)ના કન્સોર્ટિયમ દ્વારા સેટઅપ કરવામાં આવ્યું છે. આ એક્સચેન્જ IFSCAની દેખરેખ હેઠળ નિયંત્રિત કરવામાં આવે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application