ભારતીય હવામાન વિભાગ (IMD)એ પાંચ રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. તેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર કેરળમાં પણ વરસાદની સંભાવના છે. આ સાથે હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. લાહૌલ સ્પીતિમાં હિમવર્ષાને કારણે ઘણા રસ્તાઓ અને ટ્રાન્સફોર્મર ઠપ થઈ ગયા હતા. હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થતા ઘણા હાઇવે હિમવર્ષાને કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા.
હિમાચલનાં અનેક શહેરોમાં તાપમાન 5 ડિગ્રી સુધી સરી ગયું હતું. આગામી 24 કલાકમાં શિમલા, કુલ્લુ, મંડી, ચંબા, લાહૌલ સ્પીતિ, સિરમૌર, કિન્નૌરમાં હિમવર્ષા થવાની સંભાવના છે. IMDએ આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાં તારીખ 3 ડિસેમ્બર સુધી સક્રિય રહેશે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં તમિલનાડુના અનેક જિલ્લાઓમાં વીજળી અને વાવાઝોડાની આગાહી કરી છે. તમિલનાડુના તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, ચેન્નાઈ, તેનકાસી, થૂથુકુડી, તિરુનેલવેલી અને કન્ન્યાકુમારી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ મધ્યમ વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરમાં પણ સ્થિતિ એવી જ રહેવાની છે કારણ કે નવેમ્બરમાં ઠંડી ઓછી જોવા મળી હતી. રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોને બાદ કરતાં સમગ્ર ભારતમાં આ મહિને દિવસનું તાપમાન એક કે બે ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે તેની પાછળ બે મોટા કારણો આપ્યા છે. પહેલું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી હિમાલય વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે અને બીજું કારણ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન ક્ષેત્ર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500