Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય સૈન્યે ચીન સરહદે તેના તોપખાના યુનિટની મદદથી યુદ્ધ ક્ષમતા વધારી

  • September 29, 2024 

ભારતીય સૈન્યે ચીન સરહદે તેના તોપખાના યુનિટની મદદથી યુદ્ધ ક્ષમતા વધારી છે. તેના માટે સૈન્યે ૧૦૦ કે-૯ વ્રજ તોપ, ગુ્રપ ડ્રોન અને સર્વેલન્સ સિસ્ટમ સહિત અનેક હથિયારો સરહદ પર તૈનાત કર્યા છે. બીજીબાજુ પૂર્વીય લદ્દાખમાં ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ પોઈન્ટ વધારી દીધા છે. ભારતીય જવાનો હવે ૬૫ના બદલે ૭૨ પોઈન્ટ્સ પર પેટ્રોલિંગ કરશે. ભારતીય સૈન્યમાં તોપખાના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ અદોષ કુમારે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા પડકારોને જોતા તોપખાના યુનિટની ક્ષમતા વધારવા માટે વિવિધ ઈક્વિપમેન્ટ ખરીદવામાં આવી રહ્યા છે. ૨૮ સપ્ટેમ્બરે તોપખાના રેજિમેન્ટની ૧૯૮મા સ્થાપના દિવસ પહેલા અદોષ કુમારે કહ્યું કે, આજે આપણે જે ઝડપથી આધુનિકીકરણ કરી રહ્યા છીએ તેવું પહેલાં ક્યારેય નહોતું કર્યું.


ઉત્તરીય સરહદે સૈન્યની પ્રહાર ક્ષમતા વધારવા માટે કે-૯ વ્રજ, ધનુષ અને શારંગ સહિત મોટી સંખ્યામાં ૧૫૫ મીમી ગન સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. સૈન્યે પહેલા ૧૦૦ કે-૯ વ્રજ તોપ તૈનાત કરી છે અને વધુ ૧૦૦ તોપ ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે. અદોષ કુમારે કહ્યું કે, કે-૯ વ્રજ તોપ મુખ્યરૂપે રણ વિસ્તારમાં તૈનાત કરવા ખરીદવામાં આવી હતી, પરંતુ પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ઘર્ષણ પછી સૈન્યએ આ ઊંચાઈવાળા ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં આ તોપો તૈનાત કરી છે. અમે અન્ય ૧૫૫ મીમી ગન સિસ્ટમ પણ સરહદે તૈનાત કરવાની પ્રક્રિયામાં છીએ, જેમાં એડવાન્સ્ડ ટોડ આર્ટિલરી ગન, સિસ્ટમ, માઉન્ટેડ ગન સિસ્ટમ અને ટોડ ગન સિસ્ટમનો સમાવેશ થાય છે.


દરમિયાન ભારતે ચીન સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તેના પેટ્રોલિંગ પોઈન્ટ વધારી દીધા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, મુશ્કેલ પરિસ્થિતિઓ અને વિસ્તાર છતાં વિવિધ સ્થળો પર ભારતીય જવાનોએ પેટ્રોલિંગ વધાર્યું છે અને પોતાનું વર્ચસ્વ સુનિશ્ચિત કર્યું છે. પીપી-૦૪ અને પીપી-૬૫ વચ્ચે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવ ઓછો થયા પછી નવા પેટ્રોલિંગ એરિયાની ઓળખ કરાઈ છે. બીજીબાજુ ડીઆરડીઓ ભારતીય સૈન્ય માટે હાઈપરસોનિક મિસાઈલ વિકસાવવાની પ્રક્રિયામાં છે. હાઈપરસોનિક મિસાઈલો પાંચ મેક અથવા ધ્વનિની ગતિથી પાંચ ગણી વધુ ગતિએ ઉડવા સક્ષમ છે. ભારત હવે લાંબા અંતરની ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલોને સૈન્યમાં સમાવેશ કરવાની યોજના બનાવી રહ્યું છે. તેમાં ૨,૦૦૦ કિ.મી. રેન્જવાળી નિર્ભય અને ૪૦૦ કિ.મી. રેન્જવાળી પ્રલય મિસાઈલનો સમાવેશ થાય છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application