રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસતાં હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે,રાજ્યમાં ૩થી ૪ દિવસનું લોકડાઉન લગાવવામાં આવે. ઉપરાંત વીકેન્ડ કર્ફ્યૂ બાબતે પણ નિર્ણય લેવા હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. રાજકીય કાર્યક્રમો પર પણ રોક લગાવવા આદેશ કરાયો છે.
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ કર્યો છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે.
રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વીક એન્ડ કર્ફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૬૦ કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા. બીજી બાજુ, કોરોનાથી સંક્રમિત સારવાર હેઠળના દર્દીનાં મૃત્યુ પણ વધી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ દર્દી કોરોનાનો ભોગ બન્યા છે. એમાં સૌથી વધુ સુરતમાં ૭, અમદાવાદમાં ૬, વડોદરા અને ભાવનગરમાં ૧-૧ દર્દીનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500