ગુજરાત બોર્ડે પરીક્ષાના મૂલ્યાંકનમાં ભૂલો કરવા બદલ 9 હજારથી વધુ શિક્ષકોને રૂ. 1.54 કરોડનો દંડ ફટકાર્યો છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ભૂલો કરવા બદલ બે વર્ષમાં 9,218 શિક્ષકો પાસેથી રૂ. 1.54 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. ગુજરાતના આ શિક્ષકો દ્વારા ધોરણ 10 અને 12 ની ઉત્તરવહીમાં કુલ માર્કસ મુકવામાં ભૂલ કરી હતી. રાજ્યના શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં આ માહિતી આપી હતી.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ધોરણ 10 અને 12ની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ભૂલ કરનારા શિક્ષકોની સંખ્યા કેટલી છે? તેમને કેટલો દંડ કરવામાં આવ્યો? તેમાંથી કેટલા શિક્ષકોએ દંડ ભર્યો? શિક્ષકોએ દંડ ન ભર્યો તો સરકારે શું પગલાં લીધાં? પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના આ પ્રશ્નના જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સ્વીકાર્યું કે ઓછામાં ઓછા 9,218 શિક્ષકો - ધોરણ 10ના 3,350 અને ધોરણ 12ના 5,868 શિક્ષકોએ વર્ષ 2022 અને 2023ની બોર્ડની પરીક્ષાઓ માટે ઉત્તરવહીમાં મૂલ્યાંકન દરમિયાન કુલ માર્ક્સ મુકવામાં ભૂલો કરી હતી.
ગૃહમાં રજૂ કરાયેલા લેખિત જવાબ મુજબ રાજ્ય સરકારે આ શિક્ષકો પર 1.54 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સરેરાશ, શિક્ષક દીઠ આશરે રૂ. 1,600 દંડ વસૂલવામાં આવ્યો હતો. ધોરણ 10ના 787 શિક્ષકો અને 12ના 1870 મળી કુલ 2657 શિક્ષકોએ 50.97 લાખનો દંડ હજુ સુધી ભર્યો નથી. શિક્ષણ વિભાગ દ્વારા આ તમામ શિક્ષકોને નોટિસો પણ આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે સરકારે હવે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવા વેરિફાયરની નિમણૂક કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500