Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિમાચલ પ્રદેશના રાજ્યપાલશ્રીએ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની લેડી ગવર્નર સાથે ભાવસભર મુલાકાત લીધી

  • October 10, 2023 

હિમાચલ પ્રદેશના મહામહિમ રાજ્યપાલશ્રી શિવ પ્રતાપ શુક્લા અને લેડી ગવર્નર શ્રીમતી જાનકી શુક્લા અને તેમની સાથે પધારેલા મહેમાનો વડોદરાથી એકતાનગર વી.વી.આઈ.પી. સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા નાંદોદના પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર પ્રોટોકોલશ્રી દ્વારા રાજ્યપાલશ્રીનું પુષ્પગુચ્છથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસથી સાંજે માન. રાજ્યપાલશ્રી સીધા સરદાર સરોવર ડેમ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાં સરદાર સરોવર ડેમના મુખ્ય ઈજનેર અને અધિક્ષક ઈજનેર દ્વારા આવકારવામાં આવ્યા હતા. અને સરદાર સરોવર ડેમ અંગે કાનુન્ગોએ વિસ્તૃત જાણકારી આપીને માન. રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા. સરદાર સરોવર ડેમના નિર્માણ કાર્ય અને ડેમની જળ સંગ્રહ શક્તિ તથા વિસ્થાપિતોના પુનઃ સ્થાપન અંગેની વિગતો આપી હતી. વર્ષ ૨૦૧૯માં નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટીએ ભરાતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા નીરનાં વધામણા કર્યા હતા.



વર્ષ ૨૦૨૦, ૨૦૨૨ અને ૨૦૨૩માં ચોથી વાર આ સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ ભરાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૧૪ માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ આ બહુહેતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઇ સુધી લઇ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જુના પ્રશ્નનો અંત લાવી રાજ્યને ઉજ્જવળ ભવિષ્યની દિશા આપી હતી. રાજ્ય સરકારે પણ મંજૂરી મળ્યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંધની પૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઊંચાઇ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતાં ૭ મહિના વહેલું પુર્ણ કરી દીધું હતું. વડાપ્રધાનશ્રીના જ વરદ્ હસ્તે તા.૧૭મી સપ્ટેમ્બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે. નર્મદા મૈયાના પાવન જળ એકતાનગરથી ૭૪૩ કિલોમીટરની યાત્રા પૂરી કરીને કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના ઈજનેરી કૌશલ્યથી પીવાનું પાણી અને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.



ગુજરાતના ૯૧૦૪ ગામો, ૧૬૯ શહેરો અને ૭ મહાનગરપાલિકા મળી રાજ્યની ૪ કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે. એટલું જ નહિ, ૬૩,૪૮૩ કિલોમીટર લંબાઇના નહેરના કામો પૂર્ણ થઇ ગયા છે, તેના પરિણામે કચ્છ સહિત રાજ્યના ૧૭ જિલ્લાના ૭૮ તાલુકાની ૧૬.૯૯ લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે. ચીફ ઈજનેરશ્રી કાનુન્ગાએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતને આ સરદાર સરોવરથી મળતા લાભાલાભ અંગે માન. રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા અને ૨૦૦ મેગાવોટના ૬ ટર્બાઈન દ્વારા ૧૨૦૦ મેગાવોટનું દૈનિક વીજ ઉત્પાદન થાય છે અને અંદાજે ૬ કરોડ રૂપિયાનું દૈનિક વીજ ઉત્પાદન થાય છે તેમ જણાવ્યું હતું. માન. રાજ્યપાલશ્રી સરદાર સરોવર ડેમથી સીધા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા.



જ્યાં SOUના ગાઈડ દ્વારા સરદાર સાહેબની પ્રતિમા નિર્માણ અને સમયબદ્ધ રીતે કરેલી કામગીરી અને વિવિધ પ્રકલ્પો વિશે રાજ્યપાલશ્રીને વાકેફ કર્યા હતા. અને સરદાર સાહેબના જીવન, કવન, પ્રદર્શન તથા ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ નિહાળીને સરદાર સાહેબે કરેલા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેશની એકતા અને અખંડિતતાના કાર્યોથી ફિલ્મના માધ્યમથી અવગત થયા હતા અને વ્યૂઈંગ ગેલેરી પરથી ડેમ દર્શન, નર્મદા મૈયાના દર્શન તથા સરદાર સાહેબના ચરણોમાં સમૂહ તસવીર અને સેલ્ફી યાદગીરી રૂપે લીધી હતી. અને ત્યારબાદ અભિપ્રાય બુકમાં સરદાર સાહેબના કાર્યો અને પ્રતિમા દર્શન અને મુલાકાતથી ધન્યતા અનુભવી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અધિક કલેક્ટરશ્રી ગોપાલ બાંભણીયાએ સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફીટેબલ બૂક ભેટ રૂપે અર્પણ કરી હતી. ત્યારબાદ રાજ્યપાલશ્રીએ પ્રોજેક્શન મેપિંગ શો પણ રસ પૂર્વક નિહાળીને આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી અને અંતમાં રાષ્ટ્રગાનનું સન્માન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application