Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બજારમાં રૂ.૧૧૦ માં મળતું ભોજન સરકાર દ્વારા ફકત રૂ.૫ માં શ્રમિકોને આપવાનો પ્રારંભ

  • January 21, 2023 

ગુજરાત રાજ્યના વિકાસાર્થે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ ક્ષેત્રના શ્રમિક ભાઈઓ-બહેનોને ખુબ જ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે શુભ હેતુથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની "શ્રમિક અન્નપૂર્ણા યોજના" અંતર્ગત બજારભાવ કરતાં અનેકગણા ઓછા ભાવમાં ભોજનનું વિતરણ કરવામાં આવશે.




વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલ સ્વાતિ બસ સ્ટેન્ડની બાજુમાં અભિલાષા ચાર રસ્તા ખાતે આજરોજ મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લના વરદ હસ્તે "શ્રમિક અન્નપૂર્ણા યોજના "નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વેળાએ શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.




ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી.ના હસ્તે ૮,ઓક્ટોબર,૨૦૨૨ માં કુલ ૨૨ કડિયાનાકાથી આ યોજનાને અમલમાં મુકવામાં આવી હતી.ત્યારબાદ ૨૯, ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ અમદાવાદ અને ગાંધીનગરના મળીને કુલ ૫૧ ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં હતા.આ શ્રમિક યોજના અંતર્ગત શ્રમિકોને અને તેઓના પરિવારને માત્ર રુ.૫ માં જ રોટલી, શાક, દાળ, ભાત, કઠોળ, અથાણું અને ગોળ જેવો પૌષ્ટિક ખોરાક આપવામાં આવશે તેમજ સપ્તાહમાં એક વાર સુખડી જેવા અલગ અલગ મિષ્ટાન્ન પણ આપવામાં આવશે.




ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ - નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે, જેથી કરીને બાંધકામ ક્ષેત્રના દરેક શ્રમયોગીઓએ ઈ - નિર્માણ પોર્ટલમાં નોંધણી કરાવવી જરૂરી બને છે. શ્રમિકો પોતાનું ઈ - નિર્માણ કાર્ડ લઈને "શ્રમિક અન્નપૂર્ણા યોજના" ના ભોજન વિતરણ કેન્દ્ર પર જઈને કાર્ડમાં દર્શાવેલ ઈ - નિર્માણ નંબર અથવા ક્યુ. આર. કોડ સ્કેન કરાવીને રુ.૫ માં ટોકન મેળવી પોતાના ટિફિનમાં અથવા તો જમવા માટે ભોજન મેળવી શકે છે.આમ આ રીતે બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને એક ઈ - નિર્માણ કાર્ડ મારફતે પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળી શકશે.



એક તરફ બજારમાં ૧૧૦ રુ. એક જ વ્યક્તિ માટે ભોજન  મળતું હોય છે જેમાં શ્રમિક વર્ગની એક આખા દિવસની કમાણી એક જ વ્યક્તિના ભોજન પાછળ ખર્ચાઈ જતી હોય છે, જયારે ગુજરાત સરકારે શ્રમિકોને માત્ર રુ.૫ માં જ પુરા પરિવારનું એક સમયનું ભરપેટ ભોજન ઉપલબ્ધ કરાવવાનું ચાલુ કર્યું છે,જે દરેક શ્રમિક માટે આનંદની વાત છે.




બાંધકામ સાઈટ પર ૫૦ થી વધુ શ્રમિકો કે જેઓ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેઓને બાંધકામ સાઈટ પર જ ડિલિવરી મળી રહે તે માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.જે લાભાર્થીઓ પાસે ઈ.નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી અને ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે. નિર્માણ કાર્ડ ઈશ્યુ થયા પછી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે. જે શ્રમિકોની પાસે ઈ - નિર્માણ કાર્ડ ન હોય તેઓ બુથ પર જ પોતાની હંગામી નોંધણી કરાવીને ૧૫ દિવસ સુધી આ યોજનાનો લાભ મેળવી શકે છે.




ઈ - નિર્માણ કાર્ડ કઢાવવા માટે શ્રમિકની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની હોય તે જરૂરી છે. ઉપરાંત શ્રમિકે બાંધકામ ક્ષેત્રમાં છેલ્લા ૧૨ માસમાં ૯૦ દિવસથી વધુ સમય કામગીરી કર્યા અંગેનું સ્વ પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, આધાર કાર્ડ તેમજ બેંક ખાતાની વિગત હોવી જરૂરી છે.ઈ - નિર્માણ કાર્ડની નોંધણી કરાવવા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર, ઈ - ગ્રામ કેન્દ્ર અને ધન્વંતરિ આરોગ્ય રથ પર પણ નોંધણીની સુવિધા ઉપલબ્ધ છે.


કડિયા, પ્લમ્બર, ઇલેક્ટ્રિસીટીયન, સુથાર, લુહાર, વાયરમેન, કલરકામ કરનાર, લિફ્ટ ઇન્સ્ટોલ કરનાર, ફેબ્રીકેશન કરનાર, ઈંટો - નળીયા બનાવનાર, વેલ્ડર, સ્ટોન કટિંગ - ક્રશિંગ કરનાર તેમજ મ. ન. રે. ગા. વર્કર્સ જેવી કામગીરી કરનાર વર્કર્સ બાંધકામ ક્ષેત્રે શ્રમિક તરીકે નોંધણી કરાવી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News