Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં ઉમરગામથી નાણાંમંત્રીએ ‘મિષ્ટી પ્રોજેક્ટ’ની શરૂઆત કરાવી

  • June 07, 2023 

માહિતી વિભાગ દ્વારા વલસાડ, મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉમરગામ તાલુકાના મરોલીના કાલ ભૈરવ મંદિર ખાતે મેન્ગ્રુવ (ચેર)નું વાવેતર કરી ‘મિષ્ટી(Mangrove Initiative for Shoreline Habitats and Tangible) પ્રોજેક્ટ’ની શરૂઆત કરાઈ હતી. ભારતના કાંઠા વિસ્તારને પ્રાકૃતિક આપદાથી સુરક્ષિત કરવા માટેના આ પ્રોજેક્ટની શરૂઆત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, ઉમરગામ અને કપરાડાના ધારાસભ્યોએ પણ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. જિલ્લા કક્ષાના વર્ષ ૨૦૨૩ના પર્યાવરણ દિનની ઉજવણીની થીમ ‘બીટ પ્લાસ્ટિક’ બાબતની છે.




પર્યાવરણનો અર્થ માત્ર વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું જ નહી પરંતુ ‘Sustainable development’ના માર્ગ ઉપર આગળ વધી પર્યાવરણની મૂળભૂત ઇકો-સિસ્ટમની જાળવણી કરવી તેમજ હવા, પાણી અને જમીન ઉપરના દરેક પ્રદૂષણને કાબુમાં રાખવા અંગેની છે. જે અનુસાર વલસાડ જિલ્લાના ૩૦૩૫ ચો.કીમી. ભૌગોલિક વિસ્તાર પૈકી વધુ વૃક્ષોનું વાવેતર થવાથી જંગલ વિસ્તાર વધીને ૯૩૭.૫૨ ચો.કીમી.(કુલ વિસ્તારના ૩૦.૯ ટકા) વન વિસ્તાર બન્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત દરેક લોકોએ પર્યાવરણ બચાવવા માટે પોતાના રોજિંદા જીવનમાં સંભવિત ફેરફાર, પરિવાર, મિત્રો અને અન્ય લોકોને પણ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અને વર્તન કરવા માટે પ્રેરિત થવાની પ્રતિજ્ઞા પણ કરી હતી.




આ અવસરે જિલ્લામાંથી પર્યાવરણ ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા. ગુજરાત પવનઉર્જા અને સોલાર ઉર્જા ક્ષેત્રે દેશમાં નં-૧ છે અને એના કારણે ઘણું પરિવર્તન પણ આવ્યું છે એમ જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે ઋતુ પરિવર્તન ખુબ જ મોટી સમસ્યા છે. ક્લાઈમેટ ચેન્જ અંગેની પરિષદમાં પ્રધાનમંત્રીશ્રીએ દુનિયા સમક્ષ ક્લાઈમેટ ચેન્જ કેટલી ગંભીર અને નુકશાનકારક સમસ્યા છે એ પ્રસ્તુત કર્યું હતું. કોલસાથી વીજળી ઉત્પાદનના કારણે પર્યાવરણને ઘણું નુકશાન થાય છે તેથી જ ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ઉપર ભાર મુકવાથી ગુજરાત આજે અન્ય રાજ્યોની સરખામણીમાં દેશના ૮૨ ટકા સોલાર રૂફટોપ ધરાવતું રાજ્ય બન્યું છે.




તેવી જ રીતે પ્રદુષિત પર્યાવરણને કારણે દરિયાઈ ધોવાણ પણ વધ્યું છે, દરિયાઈ જીવસૃષ્ટિને પણ નુકશાન પહોંચે છે તેથી ‘મિષ્ટી પ્રોજેક્ટ’ ની પ્રધાનમંત્રીશ્રીએ પહેલ કરી છે. જેમાં ચેર(મેન્ગ્રુવ)ના વાવેતર અને જતન કરી કોસ્ટલ વિસ્તારોમાં પર્યાવરણની જાળવણી કરાશે. મેન્ગ્રુવથી દરિયાની વધેલી સપાટીથી કોસ્ટલ એરિયામાં જમીનનું ધોવાણ અટકશે, જળચર જીવોને આશ્રયસ્થાન પણ મળે છે, તેમજ ઈકોલોજીકલ સિસ્ટમની જાળવણી કરવામાં પણ મદદરૂપ થાય છે. સાથે સાથે કોસ્ટલ વિસ્તારના લોકોની આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો થશે. પ્રધાનમંત્રીશ્રીની મિશન લાઈફ પહેલ દ્વારા પણ ઉર્જા-પાણીના વપરાશ અંગે સચેત થવું.




આપણા વિસ્તારમાં દેશના અનેક બીજા વિસ્તારો કરતાં વધુ હરિયાળી છે એનું પણ પર્યાવરણમાં પ્રદૂષણ અટકાવી જતન કરવું એ આપણી ફરજ છે. ઉમરગામના ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી રમણલાલ પાટકરે પર્યાવરણ દિનની શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે, જીવન જીવવા માટે એક વ્યક્તિને ૪૨૮ વૃક્ષોની જરૂર પડે છે. આપણા વિસ્તારમાં વધુ જંગલ વિસ્તાર છે અને જંગલ ખાતાના પ્રયાસોથી તેમાં વધારો પણ થઈ રહ્યો છે. તીમરીયાં (સ્થાનિક ભાષામાં ચેર) ધોવાણ અટકાવી દરિયાઈ જીવસૃષ્ટિને પણ રક્ષણ આપે છે. ઉમરગામ ખાતે મિષ્ટી પ્રોજેક્ટની શરૂઆત થવાથી આ વિસ્તારમાં પર્યાવરણના જતનમાં ખૂબ જ સહાય થશે. માત્ર પર્યાવરણ દિને જ નહીં પરંતુ હરહંમેશ વૃક્ષો વાવી એનું જતન કરવા માટે પણ અપીલ કરી હતી.




કપરાડા ધારાસભ્ય જીતુભાઈએ પણ મેન્ગ્રુવની પર્યાવરણના રક્ષણમાં અને કોસ્ટલ વિસ્તારોના વિકાસમાં ઉપયોગીતાઓ જણાવી હતી. મુખ્ય વન સંરક્ષક (દક્ષિણ વર્તુળ) એસ. મનીશ્વર રાજાએ પ્રાસંગિત ઉદબોધન કર્યું હતું. નાયબ વન સંરક્ષક (દક્ષિણ) ઋષિરાજ પુવાર સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા જ્યારે આર.એફ.ઓ. અભયજીતસિંહ રાઠોડે આભારવિધિ કરી ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application