લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ને અનુલક્ષીને તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ મતદાન જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે.ત્યારે દિવ્યાંગ મતદારોની સુવિધાઓ પર પણ વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.તાજેતરમાં જ ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારોને કેન્દ્રસ્થાને રાખીને “સક્ષમ” એપ્લિકેશન વિકસાવવામાં આવી છે.
ઇવીએમ, C - Vigil સહિત Saksham એપ થકી ભારતની ચૂંટણી પ્રક્રિયા ડિજિટલ બની છે એમ કહેવું ખોટું નથી.Saksham એપથી દિવ્યાંગજનો (PwD) મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળતાથી પૂર્ણ કરી શકે છે. ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા ચૂંટણી તંત્રએ ‘Every vote counts’ ના સૂત્રને ચરિતાર્થ કરીને દિવ્યાંગ મતદારોની સુવિધા પર વિશેષ કાળજી લીધી છે.જેમાં દિવ્યાંગ મતદારો ચૂંટણીના દિવસે અનેકવિધ સુવિધાઓનો લાભ લઈ શકે છે.મતદાન મથક સહિત મતદાન અધિકારીઓની સંપર્ક સાથેની વિગતો,વ્હીલચેર માટેની સુવિધાઓ તેમજ પોતાની સમસ્યાના સમાધાન માટે ફરિયાદ દાખલ કરી શકે છે.
Saksham એપનો ઉપયોગ કેવી રીતે કરવો ?
કોઈ પણ ચૂંટણી સેવાઓની વિનંતી કરવા માટે, પ્રથમ વખત ભાગ લઈ રહેલા દિવ્યાંગ મતદારોએ રજીસ્ટ્રેશન કરવા માટે તેમના રાજ્ય, જિલ્લા અને મતવિસ્તાર સાથે તેમનું નામ, સરનામું અને મોબાઇલ નંબરની વિગતો નોંધવી પડશે. મતદાર ઓળખપત્રમાં ઉપરની બાજુ દર્શાવેલો તેમનો EPIC નંબર આપવો પડશે. એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ બૂથ-લેવલના અધિકારી અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે તેમના ઘરે જશે. તે પછી, મતદાર ઓળખપત્રો તેમના સરનામાં પર મોકલવામાં આવશે. આ એપ દ્વારા માત્ર દિવ્યાંગ મતદારો માટે મતદાનના દિવસે વ્હીલચેર માટે વિનંતી કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
Saksham એપની જાણવા જેવી ખાસિયતો
વોઈસ આસિસ્ટન્સ : આ એપ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગજનો માટે અવાજ સહાય પૂરી પાડે છે.
ટેક્સ્ટ-ટુ-સ્પીચ : સાંભળવાની અક્ષમતા ધરાવતા દિવ્યાંગજનો માટે આ એપ્લિકેશન ટેક્સ્ટ-ટુ-સ્પીચ પ્રદાન કરે છે.
સુલભતા સુવિધાઓ : દિવ્યાંગજનો એપનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે તેમાં મોટા ફોન્ટ્સ અને વિશેષ રંગો જેવી સંખ્યાબંધ સુલભતા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
એપ ક્યાંથી ડાઉનલોડ કરવી ? અહીં આપેલી લિંક પરથી અથવા પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકાય છે.
એન્ડ્રોઇડ : https://play.google.com/store/apps/details?id=pwd.eci.com.pwdappios અને https://apps.apple.com/in/app/saksham-eci/id1497864568
એન્ડ્રોઇડ અને આઇઓએસ (ios) એમ બંને પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન પર ઉક્ત સાઈટ/લિંક થકી આ એપ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.આમ, દિવ્યાંગજનો માટે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે અનેકવિધ સુવિધાઓ પ્રદાન કરતી અને એકદમ સરળતાથી ઉપયોગ કરી શકાતી Saksham (સક્ષમ) એપ દિવ્યાંગજનો માટે એક મૂલ્યવાન સાથીની ગરજ સારે છે.
ભારતની પરંપરાગત ચૂંટણી પ્રક્રિયામાં ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો છે, ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને ચૂંટણી તંત્ર એ જે રીતે દિવ્યાંગો માટે સક્ષમ એપની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરી છે. તાપી જિલ્લા ચૂંટણી તંત્ર જિલ્લાના યુવા, મહિલા, વડીલ સહિત દિવ્યાંગ મતદારોની લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પરિણામલક્ષી પ્રયાસો આદર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500