બિહારના શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી શાળાઓ માટે ડ્રેસ કોડ જારી કર્યો છે અને શિક્ષકો પર જીન્સ-ટીશર્ટ પહેરવા પર રોક લગાવી દીધી છે. વિભાગના નિર્દેશાનુસાર હવે સરકારી શાળામાં શિક્ષકો ફોર્મલ ડ્રેસમાં આવશે. શિક્ષણ વિભાગના નિયામક (વહીવટ) કમ શિક્ષણ વિભાગના અધિક સચિવ સુબોધ કુમાર ચૌધરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણ પદાધિકારીઓ માટે નિર્દેશ જારી કર્યો છે. જારી કરવામાં આવેલા નિર્દેશાનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ્સ બનાવવા, ડાન્સ અને ડીજે વાળા વીડિયો બનાવવા પર પ્રતિબંધ લાદ્યો છે. તદુપરાંત શિક્ષકો અને અન્ય કર્મચારીઓને શાળામાં અનુશાસન જાળવી રાખવા નિર્દેશ આપ્યો છે.
વિદ્યાલયો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓની ગતિવિધિઓમાં શાલીનતા દાખવવા અને મર્યાદિત વ્યવહાર કરવા નિર્દેશ જારી કરાયા છે. શાળાઓમાં અનૌપચારિક પરિધાનમાં શિક્ષકો અને કર્મચારીઓ જોવા મળી રહ્યા છે. શાળાના પરિસરમાંથી સોશિયલ મીડિયા (ફેસબુક, યુ-ટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ)માં ડાન્સ, ડીજે, ડિસ્કો અને અન્ય નિમ્ન કક્ષાની ગતિવિધિઓ અપલોડ થઈ રહી છે. જે અયોગ્ય છે. શિક્ષકો અને શાળાના અન્ય કર્મચારીઓએ શાળાના પરિસરમાં સદાચાર, સારો વ્યવહાર જાળવી રાખવા અપીલ કરાઈ છે. શૈક્ષણિક કેલેન્ડર અનુસાર, વિશેષ દિવસોમાં નૃત્યો, સંગીત વગેરેનો કાર્યક્રમ અનુશાસનમાં રહી આયોજિત કરવો જોઈએ. ગરિમાયુક્ત ફોર્મલ કપડાંમાં જ શાળામાં પ્રવેશ કરવો જોઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500