રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાને "કોરોના મુક્ત" કરવાના સંકલ્પ સાથે કાર્યભાર સંભાળનારા ડાંગ કલેકટર ભાવિન પંડયાએ તાજેતરમા આહવાની જિલ્લા આયુર્વેદિક હોસ્પીટલની મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી.
ડાંગ જિલ્લામા "કોરોના સંક્રમણ"ની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અહી ઉપલબ્ધ સેવાઓની માહિતી મેળવતા કલેકટર પંડયાએ વિશેષ કરીને આહવાની સરદાર કોલોની સ્થિત જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લઇ તેની પ્રવૃત્તિઓનો ચિતાર મેળવ્યો હતો. આયુર્વેદિક હોસ્પિટલ ખાતે કાર્યરત કરાયેલા ડેસીગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટરનુ પણ આ વેળા કલેકટરએ નિરીક્ષણ કરી, જરૂરી સૂચનો કર્યા હતા.
"કોરોના સંક્રમણ"ને ફેલાતો અટકાવવાના રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોના સહિયારા પ્રયાસોમા જિલ્લા આયુર્વેદિક હોસ્પીટલની ભૂમિકા સ્પષ્ટ કરતા જિલ્લા આયુર્વેદિક અધિકારી એવા વૈધશ્રી (પંચકર્મ) ડો.બર્થા પટેલે કોરોના કાળમા આયુર્વેદિક હોસ્પીટલની વિવિધ સેવાઓથી કલેક્ટરને વાકેફ કર્યા હતા.
મુખ્ય વહીવટી મથક આહવાના જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન, પોલીસ સ્ટેશન, ડાંગ દરબાર હોલ જેવા સ્થળોએ નિયમિત રીતે "અમૃતપેય ઉકાળા"ના વિતરણ સાથે જિલ્લાના કન્ટેઈન્મેન્ટ ઝોન, બફર ઝોન, સહીત સિવિલ હોસ્પિટલ, ડેસીગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી કોવિદ કેર સેન્ટર જેવા સ્થળોએ નિયમિત રીતે ઉકાળા સહીત શમશમની વટી ગોળીઓનુ વિતરણ કરવામા આવી રહ્યુ છે, તેમ ડો.બર્થા પટેલે પુરક વિગતો આપતા જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામક (આયુષ) ભાવનાબેન પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ અંતરિયાળ વિસ્તારોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, તથા ધન્વન્તરી રથ, સહીત જિલ્લાના આયુર્વેદિક દવાખાનાઓના કર્મયોગીઓના સહયોગથી અમૃતપેય સુકા ઉકાળાના પેકેટ, તથા શમશમની વટીના પેકેટનુ મોટે પાયે વિતરણ કરવામા આવી રહ્યુ છે તેમ ડો.બર્થા પટેલે વધુમા જણાવ્યુ હતુ.
ડાંગ કલેકટર ભાવિન પંડયાએ આયુર્વેદિક હોસ્પીટલની મુલાકાત વેળા અહીની સેવાઓની સરાહના કરી ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડયુ હતુ. કલેકટરની આ મુલાકાત વેળા તેમની સાથે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રાંત અધિકારી, આહવા તાલુકા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ જોડાયા હતા. આયુર્વેદિક હોસ્પિટલ ઉપરાંત કલેકટર પંડયાએ આહવાની સિવિલ હોસ્પિટલ, કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર-સેવાધામની પણ મુલાકાત લઇ જાતમાહિતી મેળવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500