દેશમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોન્સનો પ્રસાર વધવાની સાથે સાઈબર ફ્રોડનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવા સંજોગોમાં સાઈબર છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે મહત્વપૂર્ણ પગલું ઊઠાવ્યું છે. ટેલિકોમ વિભાગે હવે સીમ કાર્ડ વેચતા ડીલર્સ માટે પોલીસ અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કર્યું છે. વધુમાં બલ્કમાં સીમ કાર્ડનાં વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં સરકારે સાઈબર ફ્રોડ સંબંધિત સીમ કાર્ડ સામે ડિજિટલ સ્ટ્રાઈક કરતાં બાવન લાખ મોબાઈલ કનેક્શન્સ રદ કરી દીધા છે. આ સાથે સીમ કાર્ડ ડીલર્સ પર નવા નિયમોના ભંગ બદલ રૂપિયા 10 લાખના દંડની જોગવાઈ કરી છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું હતું કે, દેશભરમાં સાઈબર ફ્રોડ રોકવા માટે સીમકાર્ડ વેચતા ડીલર્સનું વેરિફિકેશન ફરજિયાત કરાયું છે અને બલ્ક સીમ કાર્ડની ખરીદી બંધ કરી દેવાઈ છે.
જોકે સીમ કાર્ડ ડીલર્સ સંબંધિત નવા નિયમોની જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે સરકારે સીમ કાર્ડ ડીલર્સનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કર્યું છે. પાછળથી તેમણે સ્પષ્ટતા કરી હતી કે, સીમ કાર્ડ ડીલર્સનું વેરિફિકેશન 'લાઈસન્સધારક' અથવા સંબંધિત ટેલિકોમ ઓપરેટર દ્વારા કરાશે અને નિયમોનો ભંગ કરનારને રૂ.10 લાખનો દંડ ફટકારવામાં આવશે. સીમકાર્ડ સંબંધિત સાઈબર ફ્રોડ સામે કાર્યવાહી કરતાં સરકારે સંચારસાથી પોર્ટલ લોન્ચ થયા પછી મે 2023થી અત્યાર સુધીમાં બાવન લાખ મોબાઈલ કનેક્શન્સ રદ કરી નાંખ્યા છે. 67,000 ડીલર્સને બ્લેકલીસ્ટ કરી નાંખ્યા છે જ્યારે સીમ કાર્ડ ડીલર્સ સામે 300થી વધુ એફઆઈઆર નોંધાઈ છે. વધુમાં વૈષ્ણવે કહ્યું કે, સોશિયલ મીડિયા એપ્લિકેશન વોટ્સએપે છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તેના 66,000 એકાઉન્ટ્સ પોતાની રીતે બ્લોક કરી દીધા છે.
ટેલિકોમ મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયમાં સીમ કાર્ડ વેચનારા ડીલર્સની અનેક બેદરકારીઓ સામે આવી છે. તેઓ માત્ર સીમ કાર્ડ વેચવા પર ભાર મૂકી રહ્યા છે. તેના પર નિયંત્રણ અને સાઈબર છેતરપિંડી ડામવા માટે ડીલરોનું બાયોમેટ્રિક અને વેરિફિકેશન ફરજિયાત કરાયું છે. બધા જ પીઓએસ ડીલરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. આ રીતે હવે જે પણ ગેરકાયદેસર રીતે સીમકાર્ડ વેચશે તેની જવાબદારી નિશ્ચિત કરાશે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ વેરિફિકેશન ડીલરની નિમણૂક કરતા પહેલાં વેરિફિકેશન માટે પ્રત્યેક બિઝનેસ માલિક અને તેના કારોબાર સંબંધિત દસ્તાવેજો સહિતની વિગતો એકત્ર કરનાર ટેલિકોમ ઓપરેટર દ્વારા કરવામાં આવશે. અગાઉ નિયમોમાં ડીલરના વિગતવાર દસ્તાવેજીકરણ અંગે કોઈ ઉલ્લેખ કરાયો નહોતો.
તેમણે ઉમેર્યું કે ડીલર્સને વેરીફિકેશન માટે પર્યાપ્ત સમય આપવામાં આવશે. ટેલિકોમ મંત્રીએ કહ્યું કે, તેમના વિભાગે બલ્ક કનેક્શન ઈશ્યુ કરવાની જોગવાઈ રદ કરી નાંખી છે. હવે તેના બદલે બિઝનેસ કનેક્શનનો કન્સેપ્ટ રજૂ કરાશે. તેમાં કોઈપણ બિઝનેસ ગૂ્રપ, કોર્પોરેટ અથવા ઈવેન્ટ માટે સીમ ખરીદવાની વિશેષ વ્યવસ્થા તૈયાર કરાશે, જેમાં કંપનીઓના રજિસ્ટ્રેશનના આધારે સીમ અપાશે. કોઈ કંપની બલ્કમાં સીમ ખરીદશે તો તેણે વ્યક્તિગત કેવાયસી પણ કરાવવું પડશે. વૈષ્ણવે કહ્યું કે લોકો બલ્કમાં સીમ ખરીદે છે, પરંતુ તેમાંથી 20 ટકા સીમનો દુરુપયોગ થાય છે. તેનાથી સાઈબર ફ્રોડ થાય છે. વિગતવાર અભ્યાસ પછી બલ્કમાં સીમની ખરીદી પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500