Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાંગ્લાદેશમાં હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કરી દીધો

  • November 28, 2024 

બાંગ્લાદેશમાં ભારે તણાવ વચ્ચે ઈસ્કોનને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે, અમે વચગાળાની સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી સંતુષ્ટ છીએ. તેથી હાલમાં આ મામલે સુઓ મોટો સંજ્ઞાન લેવાની જરૂર નથી. બાંગ્લાદેશમાં સુપ્રીમ કોર્ટના વકીલ મોનીરુઝ્ઝમાને જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશિષ રોય ચૌધરીની બેંચ સમક્ષ અરજી દાખલ કરીને ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તેમણે ચટગાંવ અને રંગપુરમાં ઈમરજન્સી જાહેર કરવાની પણ અપીલ કરી હતી. સુનાવણીની શરૂઆતમાં એટર્ની જનરલ દ્વારા ડેપ્યુટી એટર્ની જનરલ અસદુદ્દીને સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં અંગેની જાણકારી કોર્ટમાં આપી હતી.


તેમણે કોર્ટને કહ્યું કે આ ઘટના પર સરકારનું વલણ કડક છે. આ મામલે અત્યાર સુધીમાં ત્રણ કેસ સામે આવ્યા છે, જેમાં એક કેસમાં 13 લોકોને, એકમાં 14 લોકોને અને અન્યમાં 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 33 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. CCTV દ્વારા વધુ 6 લોકોની ઓળખ કરવામાં આવી છે. સરકાર દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ એક્ટિવ છે, આરોપીની પૂછપરછ કર્યા બાદ માહિતીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ડેપ્યુટી એટર્ની જનરલ અસદુદ્દીને કહ્યું કે, માત્ર ચટગાંવમાં જ નહીં પરંતુ અન્ય સ્થળોએ પણ સુરક્ષા દળો આ મુદ્દા પર સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે કામ કરી રહ્યા છે. સુનાવણી દરમિયાન એક ન્યાયાધીશે કહ્યું કે લોકોના જીવને વધુ નુકસાન ન થવું જોઈએ.


ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માગ પર જજોએ કહ્યું કે, સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે કામ કરી રહી છે અમે સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ અને અમને રાજ્યની જવાબદારીમાં વિશ્વાસ છે. આ દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી કે, 'આપણા દેશમાં તમામ ધર્મના લોકો ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ છે, પરસ્પર સન્માન અને પ્રેમ ક્યારેય નહીં ગુમાવશે. તેથી અરજદારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ અંગે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. દેશના હિંદુ સમુદાયના અગ્રણી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટમાં ઈસ્કોન સંપ્રદાય પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. મીડિયા અહેવાલ મુજબ, અરજીમાં ઈસ્કોનને 'કટ્ટરવાદી' સંગઠન ગણાવવામાં આવ્યું હતું તેમજ આક્ષેપ કર્યો છે કે ઈસ્કોન રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે અને સાંપ્રદાયિક અશાંતિને પ્રોત્સાહન આપે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application