તાપી જિલ્લામાં દેવ બિરસા સેનાએ આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસ અટકાવવા બાબતે રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. દેવ બિરસા સેનાએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાપી જિલ્લામાં એકપણ વ્યકિત ધર્માંતરી થઈને ખ્રિસ્તી બનેલ હોય એવું સરકારી ચોપડે નોંધાયું નથી, તેમ છતાં જિલ્લામાં કાયદાનો ભંગ કરી બિન અધિકૃત રીતે ધર્મ પરિવર્તન કરાવવા માટે ખ્રિસ્તી ધર્મની કેટલીક મંડળીઓ દ્વારા સેમીનાર, વિવિધ કાર્યક્રમો, સભા, મેળાઓ વારંવાર કરવામાં આવે છે.
ખ્રિસ્તી લોકોનો એકમાત્ર ઉદ્દેશ આદિવાસી સમાજને વધુમાં વધુ લોકોનું ધર્મપરિવર્તન કરવાનો હોય છે. જે લોકો આદિવાસી ચર્ચમાં જાય છે તેઓને કાયદેસર ખ્રિસ્તી જાહેર કરવામાં આવે તેમજ અલગ-અલગ રાજયથી પ્રચાર કરવા આવતા પ્રચારકોને અટકાવવાની માંગણી કરી છે. કેટલાક સમયથી આદિવાસીઓની રૂઢી, પરંપરા, સંસ્કૃતિ નષ્ટ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે જે ગંભીર બાબત છે. ખ્રિસ્તી લોકો સંસ્કૃતિ નષ્ટ કરવાનું ષડયંત્ર ચલાવી રહ્યા છે, તેઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી દેવ બિરસા સેનાએ માંગ કરી છે. આગામી દિવસોમાં વાલોડ તાલુકાના કણજોડ, સોનગઢ તાલુકાના કિકાકુઇ, વ્યારા તાલુકાના કરંજવેલ, ઉચ્છલ તાલુકાના છાપટી, વ્યારા તાલુકાના લખાલી ગામમાં જે ખ્રિસ્તી કાર્યક્રમો થનાર છે તેને અનુમતિ આપવામાં ન આવે તેવી માંગણી કરી છે. જો તંત્ર પગલાં ન લેશે તો આદિવાસી રૂઢી પરંપરા સંસ્કૃતિને બચાવવા દેવ બિરસા સેના ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશેનું જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500