આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું તા.૨૮મી ના રોજ દિવસે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આસરમા ગામેથી કીમ નદી પાર કરીને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે આગમન થયું હતું. ઉમરાછી ગામે પ્રવેશેલી દાંડીયાત્રાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૩૦માં દાંડીકૂચ યોજી આઝાદીનો માર્ગ પ્રશસ્ત કરનાર મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દાંડી પદયાત્રિકોનું ૨૮મી માર્ચ, ૧૯૩૦ના રોજ ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પ્રવેશ કર્યો હતો. એ દિવસે ગાંધીજી સાથે ૭૯ પદયાત્રિકોએ નાવડીમાં સવાર થઈને હાંસોટ તાલુકાના આસરમા થી ઉમરાછી વચ્ચે આવેલી કીમ નદીને હોડીમાં બેસી પાર કરી કરી હતી.
આ ઐતિહાસિક ક્ષણે ગ્રામજનોએ ગાંધીજી અને પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યુ હતું કઈંક આવો જ માહોલ ઉમરાછી ગામમાં જોવા મળ્યો હતો. ગ્રામજનો જ્યારે યાત્રીઓ કીમ નદી પાર કરીને સાંજે ૬.૩૦ વાગ્યે ગામના પાદરમાં આવી પહોંચ્યા ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સાથે ગામલોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ગામ રાજપુત યુવાનોએ પરંપરાગત વેશભુષા સાથે યાત્રીઓનું સ્વાગત કર્યુ હતું. ગામની બાળાઓએ ફૂલ પાંદડીઓ વડે તમામ યાત્રિઓને વધાવ્યા હતા. ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' ની સુરાવલિથી માહોલ સામાજિક ચેતના અને દેશભક્તિસભર બન્યો હતો.
દાંડીયાત્રાના સર્વે યાત્રિકોનુ ગામની બાળાઓએ કુમકુમ તિલક કરી કળશ સાથે સ્વાગત કર્યુ હતુ. 'ભારત માતા કી જય' અને 'ગાંધીજી અમર રહો' 'આઝાદી અમર રહો'ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગ્રામજનોએ યાત્રાનું સ્વાગત અને સત્કાર કારેલી પ્રાથમિક સ્કુલ ખાતે કર્યું હતું. ત્યારબાદ ગાંધી આશ્રમ ઉમરાછી ખાતેના વિશ્રામ સ્થળ ખાતે દાંડીયાત્રિકોએ ભોજન લીધા બાદ વિશ્રામ કર્યો હતો. ઉમરાછી ગામે ભવ્ય સાંસ્કતિક કાર્યક્રમ પણ યોજાયો હતો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500