RTE હેઠળ ચાલુ વર્ષે થયેલા પ્રવેશમાંથી અમદાવાદની ચાર સ્કૂલમાં 308 બાળકના પ્રવેશ વાલીની ખોટી આવકથી થયા હોવાની સ્કૂલ સંચાલકોની ફરિયાદ બાદ DEOએ સુનાવણી શરૂ કરી છે. આજે પ્રથમ દિવસે એક સ્કૂલના 35 બાળકોના વાલીઓને બોલાવાયા હતા. જેમાં 33 વાલીએ ફોર્મમાં ખોટી આવક દર્શાવી બાળકના પ્રવેશ કરાવ્યુ હોવાનું DEO સમક્ષ સ્વીકારી લીધુ હોવાથી 33 બાળકના પ્રવેશ નવા વર્ષે રદ કરાશે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધો.1માં ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો પર ગરીબ-જરૂરિયાતમંદ બાળકોને મફત પ્રવેશ આપવામા આવે છે. RTEમાં પ્રવેશ માટે શહેરી વિસતારમાં વાલીની આવક 1.8 લાખ એન ગ્રામ્યમાં 1.5 લાખ હોવી જોઈએ તેવો નિયમ છે.
પરંતુ ઘણા વાલીઓ ઓછી આવક દર્શાવી ખોટો આવક દાખલો કઢાવી પ્રવેશ કરાવતા હોવાથી હવે સરકાર દ્વારા ઈન્કમ ટેક્ષ રીટર્નના ડોક્યુમેન્ટ ફરજીયાત રજૂ કરવાનો નિયમ કરાયો છે. પરંતુ તેમ છતાં ઘણા બાળકના ખોટી આવકથી પ્રવેશ થયા હોવાનું કેટલીક સ્કૂલોમાં ધ્યાને આવ્યુ છે. અમદાવાદ ચાર મોટી ખાનગી સ્કૂલોના સંચાલકોએ અમદાવાદ શહેર DEOમાં ખોટી રીતે થયેલા પ્રવેશની ફરિયાદ સાથે વાલીઓની આવકના પુરાવા રજૂ કર્યા હતા. જેને પગલે અમદાવાદ શહેર DEO દ્વારા આજથી વાલીઓની રૂબરૂ સુનાવણી શરૂ કરાઈ હતી.
આજે પ્રથમ દિવસે શહેરના એસ.જી હાઈવે પરની ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલના 35 બાળકોના વાલીઓને બોલાવાયા હતા. સુનાવણીમાં 33 વાલીએ ખોટી આવક દર્શાવી હોવાનું સ્વીકારી લીધુ હતુ. જેથી તેઓના બાળકોના પ્રવેશ રદ કરાશે. જોકે આ વર્ષના અંત સુધી બાળકો RTEમાં ભણશે. નવા વર્ષે એટલેકે બીજા ધોરણથી પ્રવેશ રદ થશે. જ્યારે બે વિદ્યાર્થીના પ્રવેશ ચાલુ રહેશે. હજુ આગળ પણ સુનાવણી કરાશે અને વાલીઓને બોલાવાશે. મહત્વનું છે કે એક વાલીની આવક 17 લાખ હતી તો કેટલાક વાલીની આવક 4થી 5 લાખ સુધી હતી. છતાં RTEમાં બાળકના પ્રવેશ કરાવ્યા હતા. હવે સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીની સૂચના બાદ વાલીઓ સામે પોલીસ ફરિયાદ કે લીગલ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500