Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મતદારોને વિશ્વાસમાં લીધા વગર જંત્રીનો જુગાર ખેલનારી ભાજપ સરકારની નીતિ શરમજનક

  • February 10, 2023 

ચુંટણી ટાણે ગુજરાતની જનતાને ભાઈસાબબાપા કરનારી સરકારે અસલીયત દેખાડી હોવાનો પોરબંદર કોંગ્રેસનો આક્ષેપઃ જંત્રીદર ડબલ કરવાથી રીયલ એસ્ટેટને પડશે મરણતોલ ફટકોઃ ગુજરાત સરકારની કેન્દ્ર સરકારને થઇ ફરિયાદતાજેતરમાં જ ગુજરાતમાં ભાજપ સરકારે જંત્રી દર બમણા કરીને મતદારો સાથે રીતસરની છેતરપીંડી કરી છે.અને ગુજરાત વિધાનસભાની ચુંટણી સમયે મતઘરો પાસે ભાઈસાબબાપા કરનાર ભાજપે તેનો અસલી રંગ દેખાડ્યો છે તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરીને ઉગ્ર રજૂઆત દ્વારા ગુજરાત સરકારની કેન્દ્ર સરકારને ફરિયાદ કરવામાં આવી છે.



પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ કેન્દ્ર સરકારને એવા પ્રકારની રજૂઆત કરતા જણાવ્યું છે કે, મતઘરોને વિશ્વાસમાં લીધા વગર જંત્રીનો જુગાર ખેલનારી રાજયની ભાજપ સરકારની નીતિ શરમજનક છે. ચુંટણી ટાણે ગુજરાતની જનતાને ભાઈસાબબાપા કરનારી સરકારે અસલીયત દેખાડી છે અને જંત્રીદર ડબલ કરવાથી રીચલ એસ્ટેટને મરણતોલ ફટકો પડશે.



તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા ગત શનિવારના રોજ કોઇપણ પ્રકારના સર્વે વગર નોટબંધીની જેમ અવિચારીp તર્કસંગત વગરની જંત્રી વધારવામાં આવી છે ત્યારે તેની અસરોનો અભ્યાસ કર્યા વગર રીઅલ એસ્ટેટ તેમજ તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ લોકો ઉપર મરણતોલ ફટકો પડશે. જ્યારે હજું નોટબંધી, જી.એસ.ટી. તેમજ કોરોનામાંથી માંડ માંડ રીઅલ એસ્ટેટ દોડતું થયેલ ત્યાંજ સરકાર દ્વારા ડબલ ડોઝ રૂપી જંત્રી વધારાથી હજારો લોકોને રોજગારી પૂરી પાડતી ઇન્ડસ્ટ્રીઝ ઉપર વજ્રઘાત સમાન પગલાથી ભવિષ્યમાં નીચે મુજબ દુરોગામી અસર પડશે.


જંત્રી વધવાના કારણોસર જે દસ્તાવેજો તૈયાર થઇ ગયા છે અને એપોઇન્ટમેન્ટ લેવાઇ ગઇ છે તેમાં ફરીથી સ્ટેમ્પ વધારાના લેવા પડશે,વેચનારને નવા ચેક આપવા પડશે તેમજ ફરીથી દસ્તાવેજ કરવાનો ખર્ચ વધશે અને ખરીદનારને બેંકમાં તેટલું વધારાના નાણાકીય સગવડ કરવી પડશે અને હાથ ઉછીની રકમ લેવાની ફરજ પડશે અને ફરીથી વધારાનો ચેક આપશે એટલી રકમ પરત વેચનાર પાસે પરત લેવામાં અગવડતા ઉભી થશે અને દસ્તાવેજ વખતે પરસ્પર અવિશ્વાસનું વાતાવરણ ઉભું થશે. જુદા સોદામાં,ડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં ઇન્કમટેકસના પ્રશ્નો ઉભા થશે.



જંત્રી વધવાના કારણોસર ખરીદ- વેચાણ ઘટી જશે જેથી લોકો અન્ય રોકાણો તરફનું વલણ ઘટશે અને સોના વિગેરે રોકાણો તેમજ તેની દાણચોરી વધશે અને દેશનું હુંડીયામણ ઘટશે.જંત્રી વધવાના કારોણસર હજુ એક જ વર્ષ કે ૨૦૧૧ પહેલા થયેલ છે તેમાં મોટા પ્રમાણમાં કેપીટલ ગેઇન ભરવાનો મોટો પ્રશ્ન ઉભો થશે. જે કારણોસર એકબાજુ સ્ટેમ્પ ડયુટી તેમજ કેપીટલ ગેઇન ભરવાનો બોજો ખરીદનાર -વેચનારની ઉપર આવશે જેથી રીયલ એસ્ટેટ રોકાણકારોમાં હાથ ઉપર રૂપીયો ઓછો રહેશે.



ગુજરાતની અંદર જંત્રી વધવાના કારણોસર રીયલ એસ્ટેટના રોકાણકારો અન્ય રાજ્યોમાં તેમજ વિદેશમાં રોકાણ વધારે કરશે. જેના કારણોસર ગુજરાત સરકારને રોજગારી,સ્ટેમ્પ ડયુટી તેમજ જી.એસ.ટી.માં પણ ઘટાડો નોંધાશે. હાલમાં સામાન્ય પ્રજા જ્યારે મોંઘવારીથી પીડાય છે ત્યારે સરકારના જંત્રી વધારવાના પગલાથી મોંઘવારી વધારે વધશે તેનો ભોગ સૌથી વધારે આમ જનતા ઉપર આવશે. જંત્રીના ભાવ વધારાથી કોઇપણ મિલ્કતમાં ભાવ વધશે જે કારણોસર લોકોને મિલ્કત ખરીદશક્તિ ઘટશે,તે કારણોસર બાંધકામ ઓછું થશે અને તેના કારણોસર તે સાથે સંકળાયેલ તમામ ધંધાની સપ્લાઇ ચેઇન ઉપર અસર કરશે અને બેરોજગારીમાં વધારો થશે અને ગરીબ લોકો વધારે ગરીબ થાશે. છેલ્લા છ મહિનામાં મોટી મિલ્કતના સોદાના દસ્તાવેજો બાકી હોય તેમાં કેન્સલ થવાના અને તે કારણોસર વિવાદ અને કોર્ટકેસ થવાના પુરા શકયતાઓ છે.



રામદેવભાઈ મોઢવાડીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે,અગાઉ જંત્રી ઓછી હોવાના કારણોસર વેચાણ દસ્તાવેજ કરવાનું પ્રમાણ જે વધારે હતું તે હવે ઓછું થશે એટલે કે મિલ્કતનું ટર્નઓવર ઓછું થવાથી મંદી જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને સરકારનો મુળહેતુ ચરિતાર્થ થશે નહીં. આ જંત્રી વધારાના કારણોસર જે ખેડૂતો પાસે નવી શરતની જમીન ધરાવે છે તે જુની શરતમાં ફેરવીને પ્રિમીયમ ભરવા જાય ત્યારે ડબલ જંત્રી થઇ જવાના કારણોસર, ખેડૂત પાસે બેંકમાં તેટલી રકમ ભરવાની ક્ષમતાના અભાવે તેઓને જમીન વેચાણ જ કરવી પડે અને આવા ખેડૂત કયારેય ખેતીની જમીન બિનખેતી ન કરાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.



હાલમાં ટી.પી. વિસ્તારમાં તેમજ નવા જાહેર થતા ટી.પી. વિસ્તારમાં ખેતીની જમીનની જંત્રી પણ આપેલ હોય છતાં બિનખેતીની જંત્રી લેવામાં આવે છે, જેથી ગુંચવણો વધે છે અને સદરહુ જમીન ખરીદનાર અને વેચનારને વચ્ચે ઇન્કમટેકસમાં પણ પ્રશ્ન ઉભા થાય છે. જે અંગેના પ્રશ્નો હજું સુધી નિરાકરણ થયેલ નથી.




યોગ્ય નિરાકરણ કરો


આ બાબતને ધ્યાને લઇને ગુજરાત સરકાર દ્વારા નાના માણસ પ્રત્યે સંવેદનશીલ બને અને એફોર્ડેબલ મકાનની સ્ટેમ્પ ડયુટી ઓછામાં ઓછી રહે તેવા પ્રયત્નો કરવા જોઇએ. જંત્રી નક્કી કરતા પહેલા જંત્રી પ્રથમ સીટી સર્વે નંબર મુજબ, તે ના હોય તો ટી.પી. એફ.પી. મુજબ અને તે પણ ના હોય તો રેવેન્યુ સર્વે નં. મુજબ જંત્રી નક્કી કરવી જોઇતી હતી, જેથી કરીને ભવિષ્યમાં હકક ચોકસીના થયેલ હોય અને ટી.પી. સ્કીમના હોય તો જંત્રી બાબતે પ્રશ્નો રહે, હાલની જંત્રીમાં જંત્રી બુકમાં ઘણાં વેલ્યુ ઝોનમા જંત્રી બોકસ બ્લેન્ક આપેલ છે, જેથી દસ્તાવેજ નોંધાવનારને ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે જે ભવિષ્યમાં ન બને તેની કાળજી રાખવી જોઇએ.



વારસાઇ મિલ્કતમાં વારસદારોને આપવામાં પૂરી સ્ટેમ્પ ડયુટી લેવામાં આવે છે. ખરેખર આવા વ્યવહારો કોઇપણ અવેજ વગરના હોય છે અને માત્ર કૌટુંબિક વહેંચણીનો ભાગ હોય છે તેમાં વેચાણ વ્યવહાર ન હોય, તર્કસંગત સ્ટેમ્પ ડયુટી રાખવી જરૂરી બને છે. સામાન્ય માણસ પણ સમજી શકે તેવી સરળ જંત્રીની બુક બનાવવી અને હાલમાં જે ક્ષતિઓ છે તે દૂર કરી ક્ષતિ રહિત જંત્રી બનાવવી અને સામાન્ય માણસ પર ઓનલાઇન ગણતરી કરી મિલ્કતનું વેલ્યુએશન કરી શકે તેવું પોર્ટલ બનાવવું જરૂરી છે. પાર્કિંગ પર જે રીતે વેલ્યુએશન કરી સ્ટેમ્પ ડયુટી લેવામાં આવે છે, તે તર્કબધ્ધ કરવું જરૂરી છે.હાલની જંત્રીમાં એક જ એરીયામાં ભાવમાં મોટી અસમાનતા હોય, તે દૂર કરીને વાસ્તવિક જંત્રી બનાવવી તેવાં પ્રયત્નો કરેલ નથી. જંત્રી ફાઇનલ કરતા પહેાલ એકવાર કાચી જંત્રી બુક દરેક સબરજીસ્ટ્રારમાં આપીને તે અંગે કંઇ પણ ક્ષતિ હોય તોતે અંગેના સુચનો મંગાવી અને ક્ષતિ દુર કરીને પછી જ અમલવારી કરવા સુચન છે.



હાલની જંત્રીમાં બાંધકામના ભાવો ઉંચા હોય તેમજ રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલના ભાવો વચ્ચે પણ મોટી વિસંગતતા હોય તેને તર્કબધ્ધ કરવા. ખેતીની વારસાઇ જમીનમાં હકક જતો કરવાના કેસમાં હાલમાં પણ આર્ટીકલ-૨૦ મુજબ સ્ટેમ્પ ડયુટી લેવામાં આવતી હોય, જ્યારે સરકારના પરિપત્ર મુજબ માત્ર રૂા. ૩૦૦માંજ હક્ક જતો કરવાની જોગવાઇ હોય, તે અંગે એકરૂપતા રાખવા સુચન છે. હાલમાં નવી શરતની જમીન પ્રિમીયમ ભરવા કે જુની શરતમાં રજુ કરવામાં આવે ત્યારે જે તે જમીનની જંત્રી હોવા છતા, આ જમીનના નકશા, માપણીશીટ, સ્કેચ આજુબાજુ ગામના નકશા અરજદારો પાસે મંગાવીને ઘણો સમય વ્યતીત કરીને ત્યારબાદ જ જંત્રી મનસ્વી રીતે નક્કી થતી હોય તે પ્રશ્ન નવી જંત્રીમાં ન રહે અને સરળ બને તેવી અપેક્ષા રાખીએ છીએ.


ગુજરાતમાં સ્ટેમ્પ ડયુટી દર અન્ય રાજયો કરતા વધારે હોય અને જયારે નવી જંત્રી અમલમાં આવેલ છે ત્યારે સ્ટેમ્પ ડયુટી પણ વધી જતી હોય,જેથી જંત્રી વધારા સાથે સ્ટેમ્પ ડયુટીના દરમાં ઘટાડો કરવો પણ એટલો જ જરૂરી છે ઉપરોકત કારણોસર દુરોગામી પ્રતિકુળ અસર થવાના કારણોસર આ જંત્રીનો વધારો મોકુફ રાખીને લોકોના સુચનો મંગાવી, તે અંગે વિચારવિમર્શ કરી પછી જ જંત્રીમાં વધારો કરવામાં આવે તે પ્રકારની માંગણી સાથે વિસ્તૃત આવેદન રામદેવભાઈ મોઢવાડીયાએ કેન્દ્ર સરકારને મોકલ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application