સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓરણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં ‘આયુષ્માન ભવઃ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભો, આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ મંત્રીશ્રીના હસ્તે એનાયત કરાયા હતા, તેમજ લાભાર્થીઓ સહિત ગ્રામજનોના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આયુષ્માન ભવઃ કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને તમામ આરોગ્ય યોજનાઓથી અવગત કરવા અને આ યોજનાઓની માહિતી તેમજ મળવાપાત્ર લાભો તેમના સુધી પહોંચે તે માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત તા.૦૨જી ઓકટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે દેશમાં સામાજિક અને જનસુખાકારીના કાર્યક્રમ યોજાયા હતા. જેમાં દરેક ગામોમાં PHC/CHC સેન્ટરો પર આરોગ્ય કેમ્પો અને આરોગ્ય વિષયક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે સિકલસેલ એનિમીયાને જડમૂળમાંથી નાબૂદ કરવા તેમજ એક પણ ટી.બી.નો દર્દી ન રહે માટે સરકાર ખૂબ કાળજી લઇ રહી છે એમ જણાવી રૂ.૧૦ લાખનું આરોગ્ય કવચ પૂરું પાડતી આયુષ્માન ભારત યોજના અંગે સમજ આપી આ યોજનાનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ જાતિ,જ્ઞાતિ કે પ્રાંતથી પર રહી માત્ર ભારતીય નાગરિકોની સુખાકારી અને જનહિતને કેન્દ્રમાં રાખે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, કામરેજ તાલુકામાં ઓરણા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રની સઘન આરોગ્ય કામગીરી સહિત આયુષ્માન યોજનાના લાભો આપવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. આયુષ્માન ભવઃ અભિયાન’ અંતર્ગત તા.૦૨જી ઓકટોબર,૨૦૨૩ના રોજ ગ્રામ્ય વિસ્તારો માટે ગ્રામ્ય સ્તરની ગ્રામસભા અને વિવિધ આરોગ્ય સંભાળ માટે જાગૃત્તિ વધારવા માટે ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ(VHSNC))/શહેરી સ્થાનિક સંસ્થાની આગેવાની હેઠળ શહેરી વિસ્તારો માટે આયુષ્માન સભા યોજાશે.
જેમાં આયુષ્માન સભા થકી ગ્રામ્ય કક્ષાએ VHSNCની બેઠકો દ્વારા પ્રચાર- પ્રસાર કરી પી.એમ.જે.એ.વાય. કાર્ડની ઉપયોગિતા અને વિતરણ, આભા કાર્ડ બનાવવા, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા બિનચેપી રોગો અને ક્ષય, રકતપિત, રોગોનું નિર્મુલન વિગરે જેવા રોગો, પ્રજનન અને બાળ આરોગ્યને લગતા પ્રશ્નો, રસીકરણ, સ્વચ્છતા પોષણ, એનીમિયા, સિકલસેલ, કુટુંબ કલ્યાણ વગેરે અંગે સમુદાયમાં જાગૃત્તિ ફેલાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500