અંકલેશ્વર શહેરમાં ATM કાર્ડ બદલીને પાસવર્ડ મેળવી અન્ય ATMમાં જઈને રૂપિયા ઉઠાવી લેવાના ગુનાઓ નોંધાતા અંકલેશ્વર શહેર એ-ડિવિઝન અને ભરૂચ LCBએ મહેસાણાના એક ભેજાબાજને ઝડપી પાડી અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરીને અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલા યુનિયન બેંકમાં મહિલા પોલીસ કર્મી રૂપિયા ઉપાડવા માટે ગઈ હતી. જોકે તેના રૂપિયા નહીં ઉપડતા ત્યાં ઉભેલા ભેજાબાજે તેની મદદ કરવાના બહાને તેનું ATM કાર્ડ ચાલાકીથી મેળવી લીધું હતું. ત્યારબાદ મહિલા પોલીસ કર્મીને બીજૂ કાર્ડ પધરાવી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ત્યાર બાદ તેમણે અન્ય ATM મશીનોમાંથી ટૂકડે-ટૂકડે રૂ.1.36 લાખ ઉપાડી લઇને છેતરપિંડી કરી હતી. આ બાબતે મહિલાને મેસેજ આવતા તેની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. જે અંગે તેણે અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી.
આ મામલે જિલ્લા એસપી ડૉ.લીના પાટીલે વહેલી તકે આવા ગુનાઓ ઉકેલવા આદેશ આપ્યા હતા. જેથી અંકલેશ્વર એ-ડિવિઝન PI આર.એચ.વાળા, એલસી બી PI. ઉત્સવ બારોટ, PSI પી.એસ.વાળા અને PSI એ.એસ.ચૌહાણ સહિત ટીમોએ સયુંકત તપાસ હાથ ધરી હતી. જેમાં નજીકના CCTV ચકાસતા મહેસાણા જિલ્લાનો આરોપી શૈલેષ કનુ સલાટનું નામ ખૂલ્યું હતું. પોલીસે તાત્કાલિક ટીમો બનાવી આરોપીને મહેસાણાથી ઝડપી અંકલેશ્વર લઈ આવ્યા હતા.
પોલીસે તેની કડક રીતે પૂછતાછ કરતા તે ભાંગી પડતા તેણે જણાવ્યું હતું કે, તે અને તેનો સાથી નાગજી પ્રભાત રબારી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરીને લોકોને વાતોમાં ભોળવી ઠગવાના ગુનાઓ આચરતા હતા. તેમણે ત્રણ મહિનામાં અંકલેશ્વર, વડોદરા, સુરત, અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાંથી 15 જેટલા લોકોના ATM કાર્ડ મદદ કરવાના બહાને બદલી લઈને રૂ. 3.63 લાખની છેતરપીંડી કરી હતી. આરોપીએ 5 ગુનાઓ કબૂલ્યા હતા, જ્યારે સાથી આરોપી સામે અલગ અલગ જિલ્લાઓના 8 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપી પાસેથી એક બાઈક, ત્રણ ATM કાર્ડ, રોકડા રૂ.62 હજાર અને એક મોબાઇલ મળીને કુલ રૂ.1,02,500નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસર કામગીરી કરીને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500