Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીનાં ખેરગામ ખાતે કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવનાં અધ્યક્ષ સ્થાને ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

  • August 15, 2023 

આજે ભારતના ૭૭માં સ્વાતંત્ર્યપર્વની  ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી ખેરગામ સ્થિત હેલીપેડ ગ્રાઉન્ડ, આઇ.ટી.આઇ.ની બાજુમાં સરસીયા રોડ ખાતે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. કલેકટરશ્રીએ રાષ્ટ્ર ભક્તિનાં અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ નિમિત્તે જિલ્લાની વિવિધ કોલેજ-શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું. આ અગાઉ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે પોતાનાં પ્રવચનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સહિતનાં સ્વાતંત્ર્ય વીરોનાં બલિદાનને યાદ કરી સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, દેશની સ્વતંત્રતા કાજે પોતાના જાન ન્યોછાવર કરનાર અનેક વીર સપૂતોનાં બલિદાનોનાં કારણે મળેલી આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમનાં યોગદાનને યાદ કરવાનાં શુભ આશયથી સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે.



જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આ મોંઘેરી, વ્હાલી આઝાદી મેળવવાની લડાઈમાં નવસારીનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે. નવસારી જિલ્લાના અનેક વીરોએ સ્વતંત્રતા સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનને કલેકટરશ્રીએ યાદ કરતા આદરાંજલિ પાઠવી હતી. આ શુભ અવસરે તેમણે આપણા મહાન દેશને વધુ આગળ લઈ જવા કાર્યરત થવા, તમામ દેશબાંધવોને સાથે લઈને પ્રગતિ સાધવાનો શુભ સંકલ્પ લેવા સૌને અપીલ કરી હતી. વધુમાં કલેકટરશ્રીએ આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ અને રાજ્યમાં મારી માટી મારો દેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દેશ ભકતિનું આ અનોખું અભિયાન જન જનની સહજ ભાગીદારથી મહેકી રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ ઘરો પર તિરંગો લહેરાવી અનોખી રીતે ઉજવણી કરી સહભાગી થવા બદલ જિલ્લાવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનને અદભુત પ્રતિસાદ મળ્યો છે. નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને યાદ કરીને રાષ્ટ્રભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાના આશયથી શરૂ કરાયેલ આ અભિયાન તમામ વર્ગ, સમાજને જોડનારૂ બની રહ્યું છે.



ગુજરાતે ખેતી-ઉદ્યોગ ક્ષેત્રે સાધેલા સમતોલ, સર્વસમાવેશ વિકાસની વાત કરતા તેમણે જિલ્લાએ છેલ્લા વર્ષોમાં કરેલી પ્રગતિ વિશે વિગતવાર જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી વિશે વાત કરતા કલેકટરશ્રીએ જિલ્લામાં પી.એમ.આવાસ યોજના, નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાલક માતા પિતા યોજના, દિવ્યાંગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલા લક્ષી યોજનાઓ, આદિજાતિ વિકાસ સહિત વિવિધ યોજનાઓનાં લાભો અને તેનાથી આવેલા ફેરફારો વિશે જણાવ્યું  હતું. ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સહિતનાં મહાનુભાવોના હસ્તે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓને ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીના હસ્તે ખેરગામ તાલુકામાં વિકાસ કાર્યો અર્થે રૂ.૨૫ લાખનો ચેક વાંસદા પ્રાંત અધિકારીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં અંતમાં જિલ્લા કલેકટરશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application