પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર જીવદયા પ્રેમીઓ અને સંસ્થાના સંચાલકોનું સન્માન કરાયું વલસાડ જિલ્લા કક્ષાના ૭૪માં વન મહોત્સવની ઉજવણી રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપીના નામધા ખાતે રોફેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વન મહોત્સવના પ્રણેતાને યાદ કરી જણાવ્યું કે, વર્ષ ૧૯૫૦માં જ્યારે કનૈયાલાલ માણેકલાલ મુન્શીએ વન મહોત્સવની શરૂઆત કરી હતી ત્યારે કલાઈમેટ ચેન્જ કે વાયુ પરિવર્તનનો કોઈ અણસાર ન હતો.
પરંતુ તેમ છતાં તેમની દીર્ઘદ્રષ્ટીના કારણે આ વિચાર અમલમાં મુકયો જે બદલ તેમને નમન છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ મહોત્સવ માત્ર ગાંધીનગર પૂરતો જ સીમિત ન રહે પરંતુ રાજ્યના દરેક જિલ્લામાં ઉજવાય તે માટે નિર્ણય લીધો હતો. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં બે વાર રાજ્ય કક્ષાનો વન મહોત્સવ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન ઉજવાયો હતો. આપણા જિલ્લાને બાલચોંડી અને કલગામમાં બે સાંસ્કૃતિક વનની ભેટ મળી હતી. જેને લઈ લોકોમાં વૃક્ષો પ્રત્યેની આસ્થા વધતા ઠેર ઠેર વૃક્ષારોપણ થઈ રહ્યું છે.
ગુજરાતના ૩૩ ટકા ભાગમાં વૃક્ષો આચ્છાદિત થયા છે, ત્યારે આપણે સૌ આ ભગીરથ કાર્યમાં જોડાઈએ એવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી. કલાઈમેટ ચેઈન્જ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, સમગ્ર વિશ્વ કલાઈમેટ ચેઈન્જના ઓથા હેઠળ છે. કાર્બન ઉત્સર્જનના કારણે વાયુ પરિવર્તન થઈ રહ્યું છે. જે માનવજાત માટે ખતરારૂપ છે. કોરોના કાળ બાદ ઓક્સિજન પાર્ક અને વન બનાવવામાં આવ્યા છે. જીનીવા ખાતે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં વર્ષ ૨૦૭૦ સુધીમાં સમગ્ર વિશ્વમાં ઝીરો કાર્બન કરવાનું આયોજન કર્યુ છે તેમાં ગુજરાત સૌથી આગળ છે. ઊર્જા વિભાગમાં વિન્ડ પાવર ક્ષેત્રે ૧૦ હજાર મેગા વોટ સાથે ગુજરાત દેશમાં નંબર વન છે. સોલાર પાવરમાં ૯૩૦૦ મેગા વોટ સાથે ગુજરાત બીજા નંબરે છે.
જેમનો યશ વડાપ્રધાનશ્રીને જાય છે. તેમણે સોલાર પોલિસી અને વિન્ડ પોલીસી બનાવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આપણી લાઈફ સ્ટાઈલ કેવી હોવી જોઈએ તે અંગે તેમણે મિશન લાઈફની ટીપ્સ આપી છે. જેમાં વાતાવરણને પ્રદૂષિત ન કરવુ, પર્યાવરણ સાચવવુ, મિલેટ્સ (જાડા ધાન્ય)નો ઉપયોગ, જળચર પ્રાણીઓ માટે મિસ્ટી પ્રોજેક્ટ હેઠળ મેન્ગ્રુવના ઝાડ ઉગાડવા સહિતની કામગીરી પર ભાર મુકાયો છે. ગુજરાતની કોઈ પણ જીઆઈડીસીઓમાં એટલા વૃક્ષો નહી હશે જેટલા વૃક્ષો વાપી જીઆઈડીસીમાં છે જે અભિનંદનને પાત્ર છે. વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યું કે, પર્યાવરણના સંરક્ષણ માટે વન મહોત્સવની ઉજવણી સાર્થક ગણાય રહી છે. વડાપ્રધાનશ્રીના ૫ સંકલ્પો પૈકી વિકસીત ભારતના નિર્માણ માટે આવનારી પેઢીને શુધ્ધ હવા મળે તે દિશામાં આગળ વધવાનું છે.
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યનાં વન કવચ વધારવાનું બીડુ ઝડપ્યું છે. જે મુજબ ૧૦ કરોડ ૪૦ લાખ રોપાનું વિતરણ કરાશે. દરેક વ્યકિતએ એક વૃક્ષ અવશ્ય રોપવુ જોઈએ તો ગ્રીન ગુજરાતનો સંકલ્પ સિધ્ધ કરી શકીશું. વલસાડ-ડાંગના સંસદ સભ્ય ડો. કે.સી.પટેલે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં પ્રદૂષણનો પ્રશ્ન જટીલ બની રહ્યો છે. ત્યારે આપણા વડાપ્રધાનશ્રીની રાહબરી હેઠળ સમગ્ર વિશ્વ પર્યાવરણની જાળવણી માટે જાગૃત બન્યું છે. પારડી તાલુકાના ગોઈમા ગામમાં ૧૪૮ હેકટર ફોરેસ્ટની જમીન પર ટુરીસ્ટ પાર્ક બની શકે તેમ છે, બાજુમાંથી જ કોલક નદી વહે છે. જે બાબતે હકારાત્મક અભિગમ દાખવવા વન વિભાગને સૂચન કર્યુ હતું.
વલસાડ વન વર્તુળના મુખ્ય વન સરંક્ષક મનિશ્વર રાજાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ૫૦૦૦ હેકટરમાં ફર્નિચરને ઉપયોગી સાગ અને વાંસ સહિતના ૪૩ લાખ રોપાનું વાવેતર કરાઈ રહ્યું છે. જેથી ૪ વર્ષ બાદ આસમથી વાંસના રોપા લાવવાની જરૂર પડશે નહી. આ સિવાય ૩૧ લાખ રોપા ઉછેર કરી ખેડૂતોને વિતરણ કરાઈ રહ્યા છે. જ્યાં જઈ ન શકાય તેવા ૧૫૦ હેકટરમાં ડ્રોનથી બીજનું વાવેતર કરાયુ છે. ૧ ઝાડ ૧૫૦ લીટર ઓક્સિજન પેદા કરે છે જયારે માણસને દિવસમાં ૬૦૦ લીટર ઓક્સિજનની જરૂર પડે છે. જેથી માનવ જાતના સરંક્ષણ માટે વન અને પર્યાવરણની જાળવણી મહત્વની છે.
વધુમાં તેમણે સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. આર.કે.દેસાઈ કોલેજની વિદ્યાર્થિનીઓએ ખેતી અને પ્રકૃતિ પર આધારિત આદિવાસી નૃત્ય રજૂ કર્યુ હતું. કોલેજ કેમ્પસમાં મંત્રીશ્રી કનુભાઈ સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. ત્યારબાદ વૃક્ષ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના સાધનો તેમજ ચેકનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયુ હતુ સાથે પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર જીવદયા પ્રેમીઓ અને સંસ્થાના સંચાલકોનું સન્માન પણ કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024