Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાનાં માંડવી ખાતે 215 વર્ષ જુનું પૌરાણિક ભગવાન વિઠ્ઠલનાથજીનાં મંદિરનો જિર્ણોધ્ધાર કરાશે

  • July 17, 2024 

વડોદરા શહેરનાં માંડવી ખાતે આવેલુ ભગવાન વિઠ્ઠલનાથજીનુ મંદિર શહેરના સૌથી પૌરાણિક મંદિરો પૈકીનુ એક ગણાય છે. 215 વર્ષ પહેલા રાજવી પરિવારના રાણી ગહેનાબાઈએ 25000 રૂપિયાના ખર્ચે બનાવેલા મંદિરનો હવે જિર્ણોધ્ધાર થવા જઈ રહ્યો છે. મંદિરનું સંચાલન કરતા દેવસ્થાન ટ્રસ્ટ દેવ દિવાળી બાદ જિર્ણોધ્ધારની કામગીરી શરૂ કરાવે તેવી શક્યતા છે. આ માટેનુ ખાત મુહૂર્ત 11 માર્ચના રોજ મહારાજા સયાજીરાવની જન્મ જયંતિના દિવસે અત્યારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે કરાયુ હતુ. 215 વર્ષ પહેલા સંવત 1866માં  લગભગ 24000 સ્કેવર ફૂટ વિસ્તારમાં બનાવાયેલા મંદિરમાં નાગર શૈલી સહિતની વિવિધ સ્થાપત્ય શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મદિર માટેની જગ્યા જે તે સમયે કંદોઈ સમાજના લોકો પાસેથી ખરીદવામાં આવી હતી. મંદિરમાં સ્થપાયેલી ભગવાનની મૂર્તિ મહારાષ્ટ્રનાં પંઢરપુર પાસેનાં ગામમાંથી મંગાવવામાં આવી હતી.


મંદિરના મુખ્ય પૂજારી હરિઓમભાઈ વ્યાસ કહે છે કે, જે તે સમયે ગહેનાબાઈ મહારાણીએ પોતાના દાગીના વેચીને મંદિરનું નિર્માણ કરાવ્યુ હતુ. મંદિરના જિર્ણોધ્ધારનાં ભાગરૂપે પહેલા ગર્ભગૃહનું, બાદમાં ભકતો ભગવાનના દર્શન કરવા બેસે છે તે સભાગૃહનું, એ પછી મંદિરના સ્ટ્રોંગરૂમનુ અને પૂજારીનાં નિવાસનુ રિસ્ટોરેશન કરવાની યોજના છે. ગર્ભગૃહની છતમાં લાકડાનો તેમજ દીવાલોમાં લાકડા અને સાગોળનો ઉપયોગ કરાયો છે. મંદિરનુ ફ્લોરિંગ આરસના પથ્થરોનુ છે. જેની મજબૂતાઈની ચકાસણી કરાશે અને એ પછી રિસ્ટોરેશન કેવી રીતે નિર્ણય લેવાશે.


ગર્ભગૃહના રિસ્ટોરેશન સમયે ભગવાનની મૂર્તિનુ સ્થાન નહીં બદલવામાં આવે.જરુર પડે ગર્ભગૃહનુ ફ્લોરિંગ બદલાશે. સભાગૃહમાં પણ લાકડાનો મોટા પાયે ઉપયોગ થયો છે. તેને ફરી પોલીશ કરવામાં આવશે. સભાગૃહની છત એ જ રાખવી કે બદલવી તેનો નિર્ણય ફિટનેસની ચકાસણી બાદ લેવાશે. મંદિરના ભીંત ચિત્રોને પણ પહેલા હતા તેવા કરવાનો પ્રયાસ કરાશે. આ રીતે મંદિરના તમામ હિસ્સામાં જરુર પડે ત્યાં સમારકામ હાથ ધરાશે. તેમનુ કહેવુ છે કે, અત્યારે ચોમાસુ આવી ગયુ છે અને આગામી દિવસોમાં તહેવારોની હારમાળા આવશે. જેના કારણે રિસ્ટોરેશનની કામગીરી દેવ દિવાળી પછી શરૂ થશે. મહારાજા સમરજીતસિંહ પોતે પણ આ મંદિરનો જિર્ણોધ્ધાર કરવા માટે આતુર છે.


હેરિટેજ ઈમારતોના રિસ્ટોરેશન કરવા માટે જાણીતી એજન્સીઓને આ કામમાં સામેલ કરાશે. મંદિર સ્થપાયુ ત્યારથી એક જ પરિવાર ભગવાનની સેવા પૂજા કરતો આવ્યો છે. મંદિરના પહેલા પૂજારી ગોકળદાસ વ્યાસ હતા.અત્યારના પૂજારી હરિઓમભાઈ વ્યાસ તેમની સાતમી પેઢીનુ પ્રતિનિધિત્વ કરે છે.તેઓ કહે છે કે, મહારાણી ગહેનાબાઈએ મંદિરની સ્થાપના કરી ત્યારે ભગવાનની સેવા કરવાનો અધિકાર અમારા પરિવારને સોંપ્યો હતો. શહેરના ચાર દરવાજામાં ત્રણ પૌરાણિક અને ઐતિહાસિક મંદિરો છે. તેમાં નરસિંહજીની પોળમાં આવેલુ ભગવાન નરસિંહજીનુ મંદિર લગભગ 287 વર્ષ જૂનુ છે. આ જ રીતે ચાર દરવાજા વિસ્તારનુ ભગવાન ગોરધનનાથજીનુ મંદિર લગભગ 250 વર્ષ જૂનુ છે અને ભગવાન વિઠ્ઠલનાથજીનુ મંદિર 215 વર્ષ જૂનુ છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application