Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુકાશ્મીરમાં આતંકીઓએ શ્રદ્ધાળુઓની બસ પર કર્યો ગોળીબાર, આ ગોળીબારમાં 10 શ્રદ્ધાળુઓ માર્યા ગયા

  • June 10, 2024 

જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી છે. રવિવારે શંકાસ્પદ આતંકીઓએ શ્રદ્ધાળુઓની એક બસ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 10 શ્રદ્ધાળુઓ માર્યા ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હુમલાને કારણે ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી દેતા તે નજીકની ખાઇમાં ખાબકી હતી. જેને કારણે પણ અનેક લોકો ઘાયલ થયા છે. બસ શિવ ખોરી મંદિરેથી કટરા પરત ફરી રહી હતી ત્યારે વચ્ચે જ આતંકીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીર ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલી બસ રિયાસી જિલ્લાના રાંસૂમાં આવેલા શિવ ખોરી મંદિરેથી કટરા તરફ જઇ રહી હતી. મંદિરે શિવના દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ આ બસમાં સવાર હતા.


આ દરમિયાન આતંકીઓએ કાંડા ચંડી વિસ્તારમાં બસના ડ્રાઇવર પર ગોળીબાર કર્યો હતો. જેને કારણે ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી દેતા શ્રદ્ધાળુઓ સાથે તે ખાઇમાં ખાબકી હતી. આ ઘટનાની જાણકારી રિયાસીના ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવી હતી. ઘટના બાદ તેઓ તાત્કાલીક સ્થળ પર દોડી ગયા હતા. એવા અહેવાલો છે કે આતંકી હુમલામાં 30થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. જેમાં અનેકની સ્થિતિ ગંભીર છે તેથી મૃત્યુઆંક વધી શકે છે. જે વિસ્તારમાં આ ઘટના બની તે રાજોરી જિલ્લાની સરહદે આવેલો છે. રાજોરીમાં અગાઉ અનેક વખત આતંકી હુમલા થઇ ચુક્યા છે. ઘટના બની તે પહેલા આ વિસ્તારમાં આતંકીઓ સક્રિય હોવાની માહિતી મળી હતી.


આ સમગ્ર ઘટના બાદ પોલીસ અને સુરક્ષા દળો તાત્કાલીક દોડી ગયા હતા અને શ્રદ્ધાળુઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. બસ પર હુમલો કરવામાં આવ્યો તે જંગલ વિસ્તાર છે. આતંકીઓએ આયોજનપૂર્વક આ હુમલો કર્યો હોવાની શક્યતાઓ છે. જંગલમાં વૃક્ષોની આડમાં છુપાયેલા આતંકીઓએ ઘાત લગાવીને ડ્રાઇવર પર ગોળીબાર કર્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ હુમલો થયો તે જંગલમાં પણ આતંકીઓની શોધખોળ શરૂ કરી છે. એવા અહેવાલો છે કે આતંકીઓ રાજોરી, પૂંચ અને રિયાસી વિસ્તારમાં હોઇ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application