ડાંગ જિલ્લામાં આદિવાસીઓનો મુખ્ય તહેવાર તેરા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ અષાઢ માસમાં આવે છે. જંગલમાં અળુ નામના કંદને લીલાપાન આવે છે. અળવીના પાનની દાંડી કાળી હોય છે. જ્યારે અળુના પાનની દાંડી લીલી હોય છે. તેરા પર્વના દિવસે લોકો જંગલમાં જઈ તેરા (આળુના પાન) લઈને ઘરના અમુક ભાગમાં મુકે છે. પાંદડાને બાફી તેમાં દાળ નાંખી બનાવે છે. આ દિવસે આ પાનને દેવ માનવામાં આવે છે. બપોરે ગ્રામ દેવતાની પુજા કરી આ નવું શાક દેવને પ્રથમ નૈવેધ્ય ચઢાવે છે. જંગલમાંથી મળી આવતી નવી શાકભાજી ખાવાની શરૂઆત આ દિવસથી કરવામાં આવે છે.
ડાંગના લોકો આ તહેવારને વિશેષ મહત્વ આપે છે એ છે કે, તેરા પર્વની વિધિમાં ગામના સીમાડે વિવિધ દેવો જેમકે ગ્રામદેવ, નાગદેવ, વાઘદેવ, હનવતદેવની મૂર્તિ હોય છે ત્યાં બધા ગ્રામજનો ભેગા થાય છે. આમાં દરેક ઘરના વ્યક્તિઓ હાજર રહેતા હોય છે. ત્યારબાદ ભગત પુજાવિધિ શરૂ કરે છે. મરઘા તેમજ નારિયેળ ચઢાવાય છે અને ગામની બહાર અથવા ઘરે બધા સૌ ભેગા મળી રસપૂર્વક ભોજન કરે છે.
આ તહેવારનું ખેતીની ર્દિષ્ટએ ઘણું મહત્વ છે. જમીનમાં પાણી પચવાથી હવે તે જળઘર બની છે અને વાવણી કરવાને લાયક બની છે. આ સમય દરમિયાન ખેડૂતો વાવણી કરે છે. ધાન્યના રોપા તૈયાર થાય છે. આ તહેવારથી ખેડૂતો રોપણીનું કાર્ય કરે છે. ડાંગ જિલ્લાના ઘણાં વિસ્તારોમાં તેરા પર્વ ઉજવાઈ ગયો છે. જ્યારે ઘણાં વિસ્તારોમાં હવે પછી આ પર્વ ઉજવાશે. નિર્ધારિત કરેલા સમયે આદિવાસી સમાજ વર્તમાન સમયમાં પણ પરંપરાગત રીતે ઉજવાતા તેરા પર્વને ખૂબ મહત્વ આપે છે. જેને લઈ ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી પુરાણા સમયથી ચાલતા આવતા તેરા પર્વને આજય સજીવ રાખી ડાંગી સંસ્કૃતિ અને તેની પરંપરા આજેપણ જીવંત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500