બારડોલી તાલુકાનાં તેન ગામે આવેલી આંગણવાડીમાં એક ઈસમ પોતે ગાંધીનગર મુકામે પોલીસ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવી અવારનવાર નાના બાળકોને નાસ્તો આપવાના બહાને આવી મહિલા કર્મચારીને અશ્લીલ ઈશારા કરતો હતો તેમજ રસ્તામાં ચાલતી જતી યુવતીઓને પણ તે હેરાન કરતો હતો. છેવટે મહિલા કર્મીએ આપેલી ફરિયાદના આધારે પોલીસે નકલી પોલીસ ઈન્સ્પેક્ટર જીતેન્દ્રકુમાર પ્રજાપતિ સામે એક્ટ્રોસીટીની કલમ ઉમેરી ઘરપકડ કરી હતી. બે દિવસ પહેલા આંગણવાડી મીટીંગ પતાવી મહિલા કર્મચારી પોતાની સાસુ સાથે પરત જઈ રહી હતી. તે સમયે એક યુવક વાહન ઉપર તેમનો પીછો કરતો જણાયો હતો.
જયારે મહિલા અને તેની સાસુએ આ યુવકને ઉભો રાખી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જીતેન્દ્ર જણાવી પોતે ગાંધીનગરનો પોલીસ ઈન્સ્પેક્ટર હોવાનુ જણાવ્યું હતું. તેમજ એલફેલ વાતો કરતા યુવકની હરકત ઉપર શંકા જતા મહિલા કર્મચારીએ તેના પતિને બોલાવ્યા હતા. જ્યાં તેના પતિને પણ આ યુવકે ધમકાવતા, રાત્રે તને ઉઠાવી લઈશ, તે કોની સાથે પંગો લીધો છે તે તને ખબર પડશે મુજબ ધમકીઓ આપી ભાગી ગયો હતો.
મહિલા અને તેના પતિએ ગામના યુવકોને વાત જણાવતા યુવકોએ કરેલી શોધખોળ દરમિયાન જીતેન્દ્ર પ્રજાપતિ નામનો યુવક તેન ગામની આઈ.ટી.આઈ નજીકથી મળી આવ્યો હતો. ટોળાએ તેને પકડી બારડોલી પોલીસને જાણ કરતા પોલીસે યુવકને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરતા યુવક નકલી પોલીસ હોવાનું જણાયું હતું. બારડોલી પોલીસ દ્વારા આંગણવાડીની મહિલા કર્મચારીની ફરિયાદ અરજી આધારે તપાસ ચાલુ કરી હતી. જીતુ ઉર્ફે જીતેન્દ્ર પ્રજાપતિ વિરૂદ્ધ એક્ટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ એસ.ટી.એસ.સી સેલના ડી.વાય.એસ.પી.ને સુપ્રત કરી છે અને શનિવારે ડુપ્લીકેટ ઈન્સ્પેક્ટર જીતેન્દ્રકુમાર પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500