નવસારીનાં બોરિયાચ ટોલનાકા પાસેથી એલ.સી.બી. પોલીસે રૂપિયા ૧૨.૫૫ લાખના ઈંગ્લીશ દારૂ ભરેલ ટેમ્પો સાથે તેના ચાલકને ઝડપી પાડી રૂપિયા ૨૨.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી જિલ્લા એલ.સી.બી.નાં પી.આઈ. વી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે બાતમી મળી હતી કે, સેલવાસથી મહારાષ્ટ્ર પાર્સિંગનાં ટેમ્પોમાં ઈંગ્લીશ દારૂ ભરી લઇ જવાતો ટેમ્પો નવસારી હાઇવે રોડ પરથી પસાર થનાર છે.
જેના આધારે એલ.સી.બી. સ્ટાફે બોરિયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી બાતમીના વર્ણનવાળા મહારાષ્ટ્ર પાર્સિંગના બંધ બોડીના ટેમ્પોને અટકાવી તેની તલાશી લીધી હતી. આ દરમિયાન અંદરથી વ્હિસ્કી અને બિયરની બોટલો નંગ ૮૩૭૬ જેની કિંમત રૂપિયા ૧૨,૫૫,૪૪૦/- મળી આવતા પોલીસે ચાલક હેમંત ઉર્ફે સોનું રાધેશ્યામ નર્ગેસ (ઉ.વ.૨૪., રહે.મકાન નં.૫૫, ખલઘાટ ગામ, ગાયત્રી મંદિર, તા.ધરમપુર, જિ.ધાર,મધ્યપ્રદેશ)ની અટક કરી હતી. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો અને ટેમ્પો મળી રૂપિયા ૨૨,૬૦,૪૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આ ગુનામાં સંડોવાયેલા સંદીપ દાસોડ (રહે. મધ્યપ્રદેશ) સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવ અંગે રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વાહનમાં દારૂનો જથ્થો સેલવાસથી ભરાવાયો હોવાનું પણ બહાર આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500