રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર, રાજ્યની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોએ તેમની સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર, રાજ્ય સ્તરે પંચાયત સેવા વર્તણૂક નિયમોમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર પંચાયતના દરેક કર્મચારી, પ્રાથમિક શિક્ષક દ્વારા જંગમ, સ્થાવર મિલકત સંબંધી ડિકલેરેશન ફોર્મ ભરવું પડશે.
હવે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યોને મિલકતો જાહેર કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્ય સરકારના ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય તમામ કર્મચારીઓને પોતાની સંપત્તિની તમામ વિગતો આપવા આદેશ આપ્યો હતો. ગુજરાત સરકારના પાંચ લાખથી વધારે કર્મચારીઓમાંથી 4 લાખથી વધારે કર્મચારીઓએ આ વિગતો 15મી જુલાઈ સુધીમાં આપવી ફરજિયાત છે.
વિગતો નહીં આપનારા કર્મચારીઓ સામે આકરાં પગલાં લેવાશે. સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્ય સરકારના કર્મચારીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ અત્યંત વધી ગયું હોવાની ફરિયાદોના પગલે રાજ્ય સરકારે ચોથા વર્ગ સિવાયના તમામ કર્મચારીઓ માટે એન્યુઅલ પ્રોપર્ટી રીટર્ન (એપીઆર) ફરજિયાત કર્યાં છે. કર્મચારીએ પોતાની પર્સનલ ઈન્કમ ઉપરાંત જીવનસાથીની આવક તથા પરિવારના અન્ય સભ્યોની વિગતો પણ આપવી પડશે. આ ઉપરાંત પોતાને તથા પરિવારના સભ્યોને વારસામાં મળેલી સંપત્તિની તમામ વિગતો આપવી પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500