મહારાષ્ટ્રનાં બીડ જિલ્લાનાં પરલીમાં શિક્ષકે 'વેરી ગુડ મોર્નિંગ'થી અભિવાદન નહીં કરનારા બાળકોને સોટીએ સોટીએ ફટકાર્યાં હતાં. શાળા સત્તાવાળાઓ તથા વાલીઓની ફરિયાદનાં આધારે પરલી પોલીસે શિક્ષક સામે ગુનો દાખલ કર્યો છે. માહિતગાર સૂત્રોનાં જણાવ્યા અનુસાર, પરલીમાં મરાઠવાડા ગન્ના મજદૂર સમિતિ દ્વારા વડસાવિત્રી નગર ખાતે શ્રી નાગનાથ રેસિડેન્શિઅલ પ્રાથમિક અને માધ્યમિક શાળા ચાલે છે. આ શાળાનાં ધોરણ-8નાં વર્ગમાં શિક્ષક બાલાજી લક્ષ્મણ ફડ પ્રવેશ્યા ત્યારે બાળકોએ તેમનું 'ગુડ મોર્નિંગ' કહીને અભિવાદન કર્યું હતું.
જોકે આ શિક્ષકે અગાઉ પણ બાળકોને સૂચના આપી હતી કે, તેમને માત્ર 'ગુડ મોર્નિંગ' નહીં પરંતુ 'વેરી ગુડ મોર્નિંગ' કહેવાનું રહેશે. તેમછતાં પણ બાળકોએ સૂચનાનો અમલ નહીં કરતાં શિક્ષકને ભારે ગુસ્સો આવ્યો હતો અને તેમણે વર્ગમાં મોજુદ તમામ 40 બાળકોને સોટીએ સોટીએ ઝૂડવા માંડયા હતા. શિક્ષકનાં અચાનક પ્રહારોથી હેબતાઈ ગયેલાં બાળકોએ ભારે રોકકળ મચાવી હતી. તેઓ રડતાં રડતાં અને ચીસો પાડતાં પાડતાં બહાર દોડયા હતા.
આ ઘોંઘાટ સાંભળીને અન્ય શિક્ષકો પણ બહાર ધસી આવ્યા હતા. તેમની પૂછપરછમાં બાળકોએ પોતાને બાલાજી સર ફટકારી રહ્યાનું જણાવ્યું હતું. શાળાનાં આચાર્યએ બાલાજીને આ માટેનું કારણ પૂછતાં તેમણે બેફિકરાઈથી કહી દીધું હતું કે, બાળકોએ તેમને સરખી રીતે ગુડ મોર્નિંગ કહ્યું નથી એટલે તેમને શિક્ષા આપી છે. શિક્ષકને આ માટે ઠપકો આપી આચાર્યએ સમિતિના હોદ્દેદારોને જાણ કરી હતી. વાલીઓને પણ બનાવ અંગે જાણ થઈ હતી. તમામ લોકોએ વરલી પોલીસને રજૂઆત કરતાં વરલી પોલીસે શિક્ષક બાલાજી સામે ગુનોં દાખલ કર્યો હતો. જોકે આ શિક્ષક સામે બાળકોને અપશબ્દ બોલવા સહિતના ગેરવર્તાવની અનેક ફરિયાદો આ પહેલાં પણ મળી ચુકી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500