મુંબઈમાં ટેક્સી અને રીક્ષાની મુસાફરી આગામી તા.1 ઓક્ટોબરથી મોંઘી બનશે. રીક્ષાનું મિનિમમ ભાડું 2 રૂપિયા વધારી 21 થી 23 કરાયું છે, જ્યારે ટેક્સીનું મિનિમમ ભાડું 3 રૂપિયા વધારી પચ્ચીસથી 28 કરાયું છે. સી.એન.જી ગેસનાં દરમાં વધારો થવાના પગલે રિક્ષા અને ટેક્સી ભાડામાં વધારો કરવાની રિક્ષા અને ટેક્સી ડ્રાઈવર યુનિયનની માંગણીને રાજ્ય સરકારે માન્ય કરતાં આ ભાડા વધારો અમલી થશે. ભાડામાં વધારો કરવા માટે આજે મંત્રાલયમાં યોજાયેલી યુનિયન સાથેની બેઠકમાં સરકારે ભાડામાં વધારો કરવાની લીલીઝંડી આપી હતી.
તાજેતરમાં સી.એન.જી. દરમાં તબક્કાવાર 49 રૂપિયાથી વધીને 80 રૂપિયા સુધી વધારો થયો છે. આથી રિક્ષા અને ટેક્સી ડ્રાઈવર યુનિયને ભાડામાં વધારો કરવાની જોરદાર માંગણી કરી હતી. આ પૂર્વે માર્ચ 2021નાં રોજ રિક્ષા-ટેક્સીના ભાડામાં વધારો કરાયો હતો. સી.એન.જી.નાં દરમાં ધરખમ વધારો થતાં અનેક દિવસથી રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરે ભાડામાં વધારાની માંગણી કરતા હતા. સોમવારથી તેઓએ બેમુદત હડતાળ પર ઉતરવાની ચીમકી સુદ્ધાં આપી હતી.
આથી આજે પ્રધાન ઉદય સામંત સમક્ષ રિક્ષા અને ટેક્સી ડ્રાઈવર યુનિયનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાડામાં વધારો સાથોસાથ યુનિયને 18 માંગણી પર ચર્ચા કરી હતી. તે પૈકી 16 માંગણીઓ પર સરકાર સકારાત્મક હોવાનું ઉદય સામંતે બેઠકમાં કહ્યું હતું. આ બેઠકમાં યુનિયને હડતાળ પાછી ખેંચવાની તૈયારી બતાવી છે. રિક્ષા-ટેક્સી ડ્રાઈવર માટે કલ્યાણકારી મંડળની સ્થાપના કરાશે. આ માટે સરકાર દ્વારા 100 દિવસની મુદ્દત આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500