સોનગઢ તાલુકાનાં ડાંગ જિલ્લાની સરહદ નજીક આવેલ શિરીષપાડા ગામથી ગુનખડી તરફ જતી જંગલ ચોરીનાં સાગી લાકડાં સાથેની એક ટવેરા કારને ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા બાતમીના આધારે ઝડપી લેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાની સરહદ નજીક આવેલ સાદડવેલ રેંજ ની ઘૂંટવેલ બીટના ફોરેસ્ટરને બાતમી મળી હતી કે, એક ટવેરા કામાં જંગલ ચોરીના સાગી લાકડાં ભરવામાં આવ્યાં છે અને તે શિરીષપાડા ગામથી ઘૂંટવેલ તરફ જવાની છે. આ અંગે તેમણે રેંજ ફોરેસ્ટ ઓફિસર સી.કે.આજરાને જાણ કરતાં તેમણે વન વિભાગના ઉમરદા અને ઘૂંટવેલ રેંજના કર્મચારીઓને ખબર કરી વાહન ચેકિંગ માટેનો આદેશ આપ્યો હતો.
આ આધારે કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં. ત્યારે બપોરનાં સમયે બાતમી વાળી ટવેરા નજરે પડતાં વન કર્મચારીઓ દ્વારા તેને અટકાવવાની કોશિશ કરવામાં આવી હતી પણ કાર ચાલક અને તેનો જોડીદાર જંગલ તરફ કાર ભગાવી હતી. આ સમયે વન વિભાગના વાહનનાં ચાલક જમુભાઈ અને વન રક્ષક શુશીલાબેન પવારે બહાદુરી પૂર્વક ટવેરા કારનો પીછો કર્યો હતો. આખરે જંગલ ચોર ઇસમો રસ્તાની સાઈડ પર સાગી લાકડાં સાથેની કાર મૂકી જંગલ તરફ નાસી ગયાં હતાં.
આ કારમાંથી જંગલ ચોરીના આઠ નંગ જેટલાં સાગી લાકડાનાં ચોરસા મળી આવ્યાં હતાં કે જેની કિંમત રૂપિયા 40,000/- જેટલી થાય છે. વન વિભાગે કરેલી પ્રાથમિક તપાસમાં આ લાકડા ડાંગ જિલ્લાનાં કોસીમદા ગામે રહેતો આશિષ વસંત ગામીત નામના યુવકે કારમાં ભરાવ્યાં હતાં. વન વિભાગનાં સ્ટાફ દ્વારા લાકડાં અને ટવેરા કાર મળી કુલ રૂપિયા 3,00,000/-નો મુદ્દામાલ સીઝ કરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500