Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : અણુમાલા ટાઉનશીપમાં તસ્કરોનો તરખાટ,એકજ રાતમાં ૪ ઘરોના તાળા તૂટ્યા

  • November 15, 2023 

તાપી જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન એકજ રાતમાં ચાર જુદાજુદા ઘરોના તાળા તૂટ્યા હોવાના બનાવો પોલીસ મથકે નોંધાયો છે.વ્યારાના કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું અણુમાલા ગામના ટાઉનશીપમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે.અજાણ્યા ચોરટાઓએ ચારથી વધુ ઘરોના તાળા તોડી સોના-ચાંદીના ઘરેણાં સહિત કુલ રૂપિયા ૪.૩૦ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે.એટલુ જ નહી અન્ય ઘરોને બહારથી લોક કરી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.



મળતી માહિતી પ્રમાણે કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું અણુમાલા ટાઉનશીપમાં ડી-૧૯/૦૩માં રહેતા અને અણુમથક પ્લાન્ટમાં આશરે ૩૫ વર્ષથી સાઇન્ટીક ઓફિસર તરીકે નોકરી કરતા રાકેશભાઈ તોલાટ દિવાળીની રજાઓમાં તા.૧૦-૧૧-૨૦૨૩ નારોજ પોતાના વતન વડોદરા ખાતે ગયા હતા.


દરમિયાન તા.૧૩-૧૧-૨૦૨૩ નારોજ કોઈ ચોર અજાણ્યા ઇસમે તેઓના ઘરનું તાળું તોડી ચોરી કરી હોવાની જાણ તેઓની બિલ્ડીંગમાં રહેતા અશોક સિંગે કરી હતી. વાતની જાણ થતા જ રાકેશભાઈ તોલાટ અણુમાલા ટાઉનશીપમાં ઘરે પહોંચી તપાસ કરતા ઘરમાં કબાટ–તિજોરી તૂટેલી હાલતમાં પડી અને કબાટમાંથી સરસામાન જમીન ઉપર વેર વિખેર હાલતમાં પડ્યો હતો. તપાસ દરમિયાન કબાટમાંથી સોનાનું મંગલસૂત્ર,સોનાની બંગડી,સોનાના કાનમાં પહેરવાના ઝૂમકા,ચાંદીના ઘરેણાં સહિત રોકડ રૂ.૧.૨૦ લાખ મળી કુલ રૂ. ૨,૨૬,૪૫૦/-ની મત્તાની ચોરી થઇ હતી.


બીજા બનાવમાં મકાન નંબર ડી-૧૮/૦૪ માં રહેતા ભરતકુમાર વ્યાસના ઘરમાંથી રોકડ રૂ.૧૦ હજાર તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ. ૧,૯૩,૩૦૦/-ની મત્તાની ચોરી થઇ હતી.જયારે ત્રીજા બનાવમાં ઘર નંબર ડી-૧૮/૦૫માં વિજયસિંહ સાગદોટના ઘરનું તાળું તોડવામાં આવ્યું હતું,જોકે ચોરટાઓના હાથ કશું લાગુ નહતું.


ચોથા બનાવમાં ઘર નંબર ડી-૧૮/૦૧ માં રહેતા નિલેશભાઇ પરીખના ઘરનું તાળું તોડી ઘરમાંથી સોના-ચાંદી અને રોકડ મળી કુલ રૂ.૧૦,૩૩૦/- ની મત્તાની ચોરી થઇ હતી. આમ દિવાળીના તહેવારો દરમિયાન ચોરટાઓએ એકજ રાતમાં ચાર જુદાજુદા ઘરોના તાળા તોડી સોના- ચાંદીના ઘરેણાં અને રોકડ મળી કુલ રૂપિયા ૪,૩૦,૦૮૦/-ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોરટાઓ ફરાર થઇ ગયા હતા.


સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં ઘર બંધ હોય ત્યારે મોટાપાયે ચોરીઓ થતી હોય છે. પરંતુ હાલના સંજોગોમાં ચોરીઓથી પોલીસ સામે પડકાર ઊભો થયો છે.આ ચોરીની ઘટનામાં કાકરાપાર પોલીસે સાઇન્ટીક ઓફિસર રાકેશભાઈ તોલાટની ફરિયાદના અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application