Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂમકીતળાવ ખાતે નાચગાન સાથે 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી કરાઈ

  • August 10, 2022 

રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ રૂમકિતળાવ ખાતે 'વિશ્વ આદિવાસી દિવસ'ની ભવ્ય ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબીનેટ કક્ષાના મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેમાં આદિવાસી સમાજની સંસ્કૃતિની ઝાંખીના રૂપે આદિવાસી ગીતો, નૃત્યો, વાજિંત્રોનું પ્રદર્શન કરી નાચગાન સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.



આ પ્રસંગે મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું કે, ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં આજે 'વિશ્વ આદિવાસી દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં લોકાર્પણ,ખાતમુહુર્ત અને વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. શિક્ષણ,આરોગ્ય અને વિવિધ યોજનાઓ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની યોજનાઓ કાર્યરત છે. ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત થાય તે માટે કામો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર આદિવાસીઓની ચિંતા કરી હંમેશા આદિવાસીઓની પડખે ઊભી છે. તેમજ આદિવાસી સમાજ માટે ખૂબ ગૌરવની બાબત છે કે, ઇતિહાસમાં પહેલી વખત દેશના વર્તમાન રાષ્ટ્રપતિ આદિવાસી સમાજના શ્રીમતી દ્રોપદી મુર્મૂજી બન્યા છે. અટલ બિહારી વાજપેયી દ્વારા ૨૦૦૦ના વર્ષમાં આદિવાસી મંત્રાલય દિલ્હી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. આદિવાસી વિદ્યાર્થીઓ માટે સમરસ હોસ્ટેલની જોગવાઈ કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ આધુનિક સુવિધાઓ થકી સારી રીતે અભ્યાસ કરી શકે છે.




આ પ્રસંગે તાપી જિલ્લા પંચાયત પ્રમુખએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે, આદિવાસી સમાજનો ઈતિહાસ ખૂબ ભવ્ય અને ગૌરવપૂર્ણ રહ્યો છે. આદિવાસી સમાજના લોકોએ ભારત દેશને આઝાદ કરવા માટે અંગ્રેજો સામે લડત આપી હતી જેમાં આદિવાસી સમાજના વીર સપૂતો એવા ભગવાન બિરસા મુંડા, રૂપા નાયક, તાત્યા ભીલ અને ગુરુ ગોવિંદસિંહ જેવા આદિવાસી યોદ્ધાઓએ પોતાના બલિદાનો આપ્યા છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના આદિવાસીઓના વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજના, સિંચાઇ, પાણી અને વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે જેના થકી ગુજરાતમાં આદિવાસી સમાજનો સંપૂર્ણ વિકાસ થયો છે. 



  

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી સહાય યોજનાઓના મંજૂરી પત્ર, કીટો, ચેક અને અધિકાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કક્ષાએ ધોરણ ૧૦-૧૨ HSC/SSC  પરીક્ષામાં અનુસૂચિત જનજાતિના જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ યોજના થકી પ્રથમ ક્રમે આવનાર ૨ વિદ્યાર્થીઓને ૬૦૦૦, બીજા ક્રમે આવનાર ૨ વિદ્યાર્થીઓને  ૫૦૦૦ અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ૪૦૦૦ રૂપિયા એમ કુલ ૬ વિધાર્થીઓને ૩૦,૦૦૦ રૂપિયાના ઇનામની રકમ આપવામાં આવી હતી. રમત-ગમત ક્ષેત્રેમાં સિદ્ધિ મેળવનાર ઉચ્છલ તાલુકાના  જિલ્લામાં પ્રથમ અને તૃતીય ક્રમ મેળવ્યું હતું. જેમાં ખેલમહાકુંભ ૨૦૨૧માં  એથ્લેટિક્સ ગોળાફેકમાં પ્રથમ, એથ્લેટિક્સ ઉંચી કુદમાં તૃતીય અને વોલીબોલમાં તૃતીય ક્રમ મેળવનાર રમતવીરોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. 






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application