જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પંચાયત અધિનિયમ અનુસાર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આજરોજ વિકાસ કમિશ્નરશ્રીના જાહેરનામા અનુસાર તાપી કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લા વિકાસ અધિકારી વિ.એન.શાહ, પૂર્વ પ્રમુખ સૂરજભાઈ વસાવા સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.વિપિન ગર્ગે અધ્યક્ષ સ્થાનેથી તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે જાલમસિંહ નાથીયાભાઈ વસાવા તેમજ ઉપપ્રમુખ પદ માટે મધુબેન ભીખુભાઈ ગામીતની વરણી કરી હતી.
તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારી વિ.એન.શાહે જણાવ્યું હતું કે, નમુના ક માં જિલ્લા પંચાયત પ્રમુખના પદ માટે એકમાત્ર ફોર્મ પ્રાપ્ત થયું હતું. જ્યારે ઉપપ્રમુખ પદ માટે પણ એક જ ફોર્મ મળ્યું હતું. આ બંને ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ચૂંટણીની આ પ્રક્રિયામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ કુ.દિપ્તી બી.રાઠોડ, એફ.એમ.મોરવાડિયા સહિત પદાધિકારીઓ અને જિલ્લા પંચાયત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને પંચાયત વિભાગ અને પદાધિકારીઓએ નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500