તાપી જિલ્લામાં પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય,વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આદિજાતિ વિભાગ,આરોગ્ય, કૃષિ,પશુપાલન, ગ્રામવિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, ફિશરીઝ ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, શિક્ષણ વિગેરે જુદા જુદા વિભાગના લાભાર્થીઓને સ્ટેજ ઉપથી પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે કુલ ૧૨,૨૨૭ લાભાર્થીઓને રૂ.૫૫ કરોડની સાધન- સહાયના લાભો હાથોહાથ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ સ્થાનેથી ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યના છેવાડાના માનવીની ચિંતા કરી અને ગરીબ કલ્યાણ મેળા શરુ કર્યા હતા. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીને સીધેસીધો લાભ મળે છે. આખા ગુજરાતમાં આજદિન સુધી ૧૨ તબક્કામાં ૧,૫૩૦ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ૧.૪૭ કરોડના લાભો જરૂરિયાતમંદોને રૂા.૨૬,૬૦૦ કરોડ ઉપરાંતની સહાય હાથો હાથ પહોંચાડવામાં આવી છે, ત્યારે આજે ગરીબ કલ્યાણ મેળાના ૧૩માં તબક્કા હેઠળ તાપી જિલ્લો ગુજરાતનો છેવાડાનો હોઇ આજે વિવિધ યોજનાના કુલ ૧૨,૨૨૭ લાભાર્થીઓને રૂ.૫૫ કરોડની સહાય-સાધનોના લાભો હાથોહાથ આપવામાં આવ્યા છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તાપી જિલ્લાના તમામ અધિકારીઓશ્રીઓ/પદાધીકારીશ્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કોરોના કાળ હોય કે પ્રધાનમંત્રી આવાસ હોય કે પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ, કૃષિ,પશુપાલન, ગ્રામવિકાસ, મહિલા અને બાળ કલ્યાણ જેવી તમામે તમામ યોજનાઓનો લાભ આપવામાં તાપી જિલ્લાના સરકારી તંત્ર અને પદાધિકારીઓ આગળ રહ્યા છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે. વઢવાણિયા એ સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે.ગરીબ કલ્યાણ મેળા દ્વારા અનેક લોકોના જીવન ધોરણ ઉપર લાવવામાં સરકારશ્રીનું ખુબ મોટું યોગદાન રહ્યું છે. તાપી જિલ્લામાં આ વર્ષે ૪૪,૯૬૩ લાભાર્થીઓ કુલ ૧૮ વિભાગની ૯૬ યોજનાઓમાં નોધાયેલા છે. જે પૈકી આજે ૫૫ કરોડના લાભો સ્ટેજ ઉપરથી અને સ્ટોલ ઉપરથી આપવામાં આવ્યા છે.કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાપી જિલ્લાના પદ્મશ્રી રમિલાબેન ગામીત,જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500