ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલ બુટલેગર પ્રતીક ઉર્ફે પકો છનાભાઇ ગામીતની તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે "પાસા" હેઠળની અટકાયત કરી ભુજ ખાતે જેલ ભેગો કર્યો છે.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વાંકલા ગામના ઉપલું ફળિયામાં રહેતો 27 વર્ષીય બુટલેગર પ્રતીકભાઈ ઉર્ફે પકો છનાભાઈ ગામીત ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલો હોય તેની વિરુદ્ધ સોનગઢ, ડોલવણ અને વ્યારા પોલીસ સ્ટેશને ગુનાઓ નોંધાયા હતા.
આ ગુનાઓ ને ધ્યાને લઇ તાપી જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આર.એલ.માવાણી એ આ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરવા ઇન્ચાર્જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ-તાપી ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ.લાડ ને સૂચના આપી હતી. આ ઈસમ વિરુદ્ધ પુરાવા એકઠા કરાયા બાદ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ-તાપી ને મોકલી અપાયા હતા. તેના આધારે તાપી જિલ્લા મેજીસ્ટ્રેટે સમગ્ર ગુન્હા ની વિગતો ધ્યાને લઇ પ્રતીક ઉર્ફે પકો ગામીત નો પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ ઈશ્યુ કર્યો હતો.
ત્યારબાદ આ હુકમ ની બજવણી માટે પોલીસ ટીમને આ ઇસમને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેમાં તા.3જી ઓક્ટોબર ના રોજ આ ઇસમને પકડી પાડી તેની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ સાથે તેને પોલીસ જાપ્તા હેઠળ જિલ્લા જેલ ભુજ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500