તાપી જિલ્લાની સૌથી મોટી એ.પી.એમ.સી.ની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં બી.જે.પી. સમર્પિત પેનલને ખેડૂત વિભાગ અને વેપારી વિભાગમાં જીત મળી હતી, જ્યારે સહકારી વિભાગમાં કોંગ્રેસ પ્રેરિત બે સભ્યો વિજેતા બન્યા હતા. વ્યારા એ.પી.એમ.સી. પર પરિણામ જાહેર થતાં જ ભાજપ સંગઠનના પ્રમુખ તથા મહામંત્રી સહિત આગેવાનો વિજેતાઓને વધાવી લીધા હતા. તાપી જિલ્લાની વ્યારા ખાતે આવેલી એ.પી.એમ.સી. મંડળીમાં ત્રણ વિભાગની 16 સભ્યોની ઉમેદવારી માટે 31 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતુ, જેનું મતદાન થયા બાદ ગતરોજ વ્યારા એ.પી.એમ.સી. ખાતે પરિણામ જાહેર થયું હતું જેમાં ભાજપ સમર્પિત ખેડૂત વિભાગ અને વેપારી વિભાગમાં ભવ્ય વિજય, જ્યારે સહકાર વિભાગમાં કોંગ્રેસનો વિજય થયો હતો.
ખેડૂત વિભાગમાં બી.જે.પી. સમર્પિત સહકાર પેનલના દસમાંથી દસ ઉમેદવારોની જીત થઈ હતી. વેપારી વિભાગમાં પણ બી.જે.પી. સમર્પિત સહકાર પેનલના ચારમાંથી ચાર ઉમેદવારોની જીત થઈ હતી, જ્યારે સહકારી ખરીદ વેંચાણ મંડળી વિભાગની બે બેઠકો પૈકી બંને બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત બંને ઉમેદવારોની જીત થઈ હતી. વ્યારા એ.પી.એમ.સી.નાં ખેડૂત વિભાગમાં વ્યારાનાં પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય પુનાભાઇ ગામીતની હાર થઈ હતી. જ્યારે ગત ટર્મના પ્રમુખ પ્રવિણભાઇ ગામીત, ડીસ્ટ્રીકટ બેંકનાં ડિરેક્ટર ગણેશભાઈ ચૌધરી જીતી ગયા હતા. સહકારી મંડળી વિભાગમાં કોંગ્રેસનાં જિલ્લા પંચાયતનાં વિરોધપક્ષના નેતા અને સુમુલનાં ડિરેક્ટર સિધ્ધાર્થ ચૌધરી તેમજ પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનાં પુત્ર તેજસભાઇ ચૌધરીની જીત થઈ હતી.
વિજેતા ઉમેદવારો : ખેડૂત વિભાગ | ભાજપ સમર્થિત પેનલમાંથી ગામીત મહેન્દ્રભાઈ નારણભાઈ (કપુરા)-166 મતો, ચૌધરી ગણેશભાઈ જયસિંહભાઈ (આંબીયા)-16 1 મતો, પટેલ ચંદ્રસિંહ કાંતિલાલ (ડોલવણ)-158 મતો, ગામીત ગણપતભાઈ ચીમનભાઈ (ધાટ)-142 મતો, ઢોડિયા રમેશભાઈ જીવલાભાઈ (વીરપુર)-161મતો, ગામીત મધુસુદન ચિમનભાઈ (ઘાટા)-167 મતો, ગામીત પ્રવિણભાઈ નમલાભાઈ (વ્યારા, ગોરૈયા)-174 મતો, ચૌધરી જયેશભાઈ કનુભાઈ (પદમડુંગરી)-164 મતો, પટેલ મનોજભાઈ હીરાભાઈ (ગાંગપુર)-159 મતો, ચૌધરી મહેન્દ્રભાઈ નસવાનભાઈ (કેળકુઇ)-157 મતો મળ્યા.
વેપારી વિભાગ : ખાંટ વિનેશભાઈ હરિવલ્લભભાઈ (વ્યારા)-40 મતો, ઠક્કર સંજયભાઈ દિનેશભાઇ (વ્યારા)-40 મતો, કોઠારી વિરલભાઈ સુરેશચંદ્ર (વ્યારા)-40 મતો, શાહ કેતલકુમાર ઈન્દુલાલ (માલિવાડ)-40 મતો મળતા ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
સહકારી વિભાગ : કોંગ્રેસ સમર્થિત પેનલનાં ઉમેદવારોમાં ચૌધરી સિધ્ધાર્થ અમરસિંહ- 30 મતો, ચૌધરી તેજસભાઈ અમરસિંગભાઈ- 30 મતો મળતા ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500