મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ઉકાઈ રોડ ઉપર આવેલ શક્તિ નગર સોસાયટીમાં એક ઘરની પાછળ આવેલ કારમાંથી વગર પાસ પરમિટે વિદેશી દારૂનાં જથ્થા સાથે લિસ્ટેડ બુટલેગર વિપુલ ઉર્ફે ઘોડો અશોકભાઈ પાટીલ નાને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુના અંગેની રેઈડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, લિસ્ટેડ બુટલેગર વિપુલ ઉર્ફે ઘોડો અશોકભાઈ પાટીલ (રહે.શક્તિનગર સોસાયટી, ઉકાઈ રોડ, સોનગઢ)નાંએ પોતાના ભાડાના મકાનની પાછળ તેના કબ્જાની કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી મૂકી રાખ્યો છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં કાર નંબર GJ/26/AE/0833 મુકેલ હતી તેમજ લિસ્ટેડ બુટલેગર વિપુલ ઉર્ફે ઘોડો અશોકભાઈ પાટીલ નાંઓ પણ હાજર મળી આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે કારમાં તપાસ કરતા કારનાં ચાલક સીટની પાછળ તથા ડીકીનાં ભાગે ખાખી કલરના પૂંઠાનાં બોક્ષમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1680 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 84,000/- હતી. જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો પીંપલનેર (મહારાષ્ટ્ર) ખાતે રહેતો રાજુભાઈ જેના પુરા નામઠામની ખબર નથી તેનો આ પ્રોહી. મુદ્દામાલ પૂરો પાડ્યો હતો અને ગોવિંદભાઈ જસવંતભાઈ ચૌધરી નાંએ પ્રોહી. મુદ્દામાલ મંગાવ્યો હતો.
આમ, પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ 2 નંગ મળી કુલ રૂપિયા 5,89,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે એ.એસ.આઈ. જગદીશભાઈ જોરારામભાઈ બિશ્નોઈની ફરિયાદનાં આધારે ઝડપાયેલ લિસ્ટેડ બુટલેગર વિપુલ ઉર્ફે ઘોડો અશોકભાઈ પાટીલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે પ્રોહી. મુદ્દામાલ મંગાવનાર અને પૂરો પાડનાર બંનેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500