મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં અંધારવાડી નજીક ગામની સીમમાં આવેલ કોતરનાં ખેતરાડી રસ્તા ઉપર પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી રૂપિયા 1.69 લાખનો ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ પકડી પડ્યો હતો, જ્યારે બે ઈસમો ગાડી મૂકી ભાગી જવામાં સફળ થતાં પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ગુરૂવારનાં રોજ ખાનગી તથા સરકારી વાહનોમાં વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનવાડીથી મિશનનાકા બાયપાસ આવતાં રોડ ઉપર ભાટપુર ગામની સીમમાં આવેલ નહેર રોડ પર પ્રોહી. નાકા બંધીમાં હતા.
તે સમયે વાહન ચેક કરતા સમયે પાનવાડી તરફથી એક ગ્રે કલરની કિયા શેલટોશ ગાડી આવતા જોઈ હતી અને જે પોલીસની નાકાબંધી જોઈ થોડી દૂર ઊભી રાખી દીધેલ હતી. ત્યારબાદ પોલીસ સ્ટાફનાં માણસો ગાડી તરફ જતા જે ગાડીમાં ચાલક તથા તેની બાજુમાં એક ઈસમ બેસેલ જણાય આવ્યો હતો પરંતુ પોલીસને આવતાં જોઈ ગાડીનાં ચાલકે પોતાની ગાડી રિવર્સ કરી ભાટપુર ગામ તરફ જવાના રોડ ઉપર પુરઝડપે હંકારી લઈ ગયો હતો જેથી પોલીસ સ્ટાફનાં માણસોએ પણ સરકારી તથા ખાનગી વાહનો લઇ ગાડીનો પીછો કરતા અંધારવાળી નજીક ગામમાં આવતા ગાડી જોવા મળી હતી.
જ્યાં આગળ રોડ ઉપર એક ઈસમ હાજર મળતા પોલીસે ગાડી બાબતે પૂછતા તેણે ખેતરમાંથી કોતરનાં કિનારે જતા કાચા રોડ ઉપર ગાડી હંકારી ગયેલ હોવાની હકીકત જણાવી હતી. જેથી પોલીસ સ્ટાફના માણસો કોતરનાં રસ્તા ઉપર આગળ જતાં એક સુમસામ જગ્યાએ ગાડી પાર્ક કરી અને લોક કરેલ હાલતમાં મળી આવી હતી. જ્યાં આજુ-બાજુમાં શેરડીનાં ખેતરો આવેલ હોય ત્યાં ચેક કરતાં કોઈ ઈસમ હાજર મળી આવ્યો ન હતો. ત્યારબાદ પોલીસે ગાડી નંબર જોતા ગાડીનો નંબર MH/09/FQ/2606 હતો.
ત્યારબાદ પોલીસે જૂની એલ.સી.બી. કચેરી ખાતે ગાડીને લાવીને ગાડીના કાચમાંથી લોખંડની પટ્ટી નાંખી લોક ખોલી ગાડીમાં જોતા ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની કુલ 396 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,69,200/- હતી. આમ, પોલીસે ગાડી જેની કિંમત રૂપિયા 6 લાખ અને ઈંગ્લીશ દારૂ જેની કિંમત રૂપિયા 1,69,200/- મળી કુલ રૂપિયા 7,69,200/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસને જોઈ ભાગી છુટેલ બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500