ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલયના ઉપક્રમે નેહરુ યુવા કેન્દ્ર, તાપી દ્વારા તાપી જીલ્લાના વડા મથક વ્યારામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આજરોજ ૨૧મી ઓગસ્ટે ફ્રીડમ રન ૨.૦ નું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયા, વ્યારા નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણા સહિત વહીવટી તંત્રના અધિકારીઓએ ફ્રીડમ રનને જીલ્લા સેવા સદન વ્યારાથી સવારે ૭ કલાકે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ફ્રીડમ રન ૨.૦ માં ૭૫થી વધુ યુવાન-યુવતિઓએ ભાગ લીધો હતો.
જિલ્લા સમાહર્તા એચ.કે.વઢવાણિયાએ તાપી જિલ્લાના યુવાનો,નાગરિકોને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, દેશની ૭૫મી આઝાદી વર્ષ પર સમગ્ર ભારતમાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના યુવાનો વધુને વધુ સ્પોર્ટસ એકટીવીટીઝમાં જોડાય, તેમનામાં દેશભક્તિની ભાવના કેળવાય તેમજ જાગૃતિ આવે તે માટે આ અભિયાન શરૂ કરાયું છે. ગ્રાઉન્ડ લેવલે ભાગ લઇને જ ઓલિમ્પિકમાં જઇ શકાય છે. તાપી જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં તાપી જિલ્લાના યુવાનો, નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે.
નેહરૂ યુવા કેન્દ્ર, સુરત-તાપીના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ જણાવ્યું હતું કે, ૧૩મી ઓગસ્ટ થી રજી ઓક્ટોબર સુધી દેશના ૭૪૪ જીલ્લામાં ફ્રીડમ રન ૨.૦ નું આયોજન કરવામાં આવ્યું છે. ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન નો મુખ્ય ઉદેશ્ય લોકોમાં ફીટ ઇન્ડિયા કાર્યક્રમ પ્રતિ જાગૃતતા લાવવાનો છે ઉપરાંત “ફિટનેસ કી દોજ, આધા ઘંટા રોજ' નો સંદેશ દરેક નાગરિક સુધી પહોચાડવાનો છે.
ફીટ ઈન્ડિયા ૨.૦ માં કલેકટર વઢવાણિયા, ડી.ડી.ઓ.ડો.કાપડિયાએ દોડમાં ભાગ લઇ યુવાનોને પ્રેરક પ્રોત્સાહન પુરૂ પાડયું હતું. જિલ્લા યુવા અધિકારી, વ્યારા ચીફ ઓફિસર શૈલેષ પટેલ, સીનીયર કોચ ચેતન પટેલ, જિલ્લા રમત-ગમત અધિકારી અમરસિંહ રાઠવા, કુલીનભાઈ પ્રધાન, બારડોલી એન.સી.સી.કેડેટ્સ બહેનો,વહીવટી તંત્રના અધિકારીઓ/ પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૫ કિ.મીની દોડમાં પ્રથમ કલ્પેશભાઈ એસ.કોકણી,દ્વિતિય-માછી વિરેન્દ્ર ડી. અને તૃતીય નંબરે કોકણી કમલેશભાઈ છનાભાઈ આવ્યા હતા. આ યુવાનોને મહાનુભાવોએ પ્રમાણપત્ર આપી સન્માનીત કર્યા હતા. ઉપસ્થિત તમામ ભાઈઓ-બહેનોએ ફીટ ઈન્ડિયા હેઠળ રાષ્ટ્રને મજબૂત બનાવવાના શપથ લીધા હતા. ભાગ લેનાર તમામ યુવાન ભાઈઓ-બહેનોને ટી-શર્ટ અપાયા હતા. તેમજ તેમના માટે પાણી, દૂધ-નાસ્તાની સગવડ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન નહેરુ યુવા કેન્દ્ર તેમજ જીલ્લા પ્રશાસન તંત્ર તાપીના સહયોગથી કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500