ઉચ્છલ તાલુકાનાં ગવાણ ગામની સીમમાં ગત તા.5/2/20નાં રોજ ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતનાં બનાવમાં કારમાં સવાર દંપતીનું મોત નીપજ્યું હતું, જ્યારે બે પુત્રને ઇજા થઇ હતી. આં આરોપી ટ્રક ચાલક સામે થયેલી પોલીસ ફરિયાદ બાદ કેસ ઉચ્છલનાં જ્યુડિશિયલ મેજિ. ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલી જતાં ટ્રક ચાલકને 3 વર્ષ 7 માસની સાદી કેદની સજા તથા રૂપિયા 1900/-નો દંડ ફરમાવતો હુકમ કોર્ટે કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, મહારાષ્ટ્રનાં અનરદ ગામના વતની યોગેન્દ્ર સિંગ સરદારસિંગ રાજપૂત (ઉ.વ.38) પોતાની કાર નંબર MH/39/J/1412 લઇને પત્ની ગાયત્રીબેન અને બે દીકરા મયંક રાજપૂત (ઉ.વ.13) તથા નીલ રાજપૂત (ઉ.વ.10) સાથે સામાજિક કામે પોતાના ગામ અનરદથી વાપી જવા માટે ગત તા.5/2/20નાં રોજ નીકળ્યા હતા.
જોકે તેઓ ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે ઉપર ગવાણ ગામની સીમમાં થઈ પસાર થતાં હતાં, ત્યારે એક ટ્રક નંબર GJ/21/V/4428નાં ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી યોગેન્દ્ર સિંગની કાર સાથે અથડાવી દેતા કારનો ખુરદો વળી ગયો હતો અને અંદર બેઠેલા દંપતી અને તેમના બંને પુત્રો કારમાં ફસાઈ ગયા હતા. જયારે આ અકસ્માતમાં થયેલી ગંભીર ઇજાને કારણે યોગેન્દ્રસિંગ રાજપૂત તથા તેમના પત્ની ગાયત્રીબેન રાજપૂતનું કારમાં જ મોત થયું હતું અને તેમના પુત્ર મયંક રાજપૂતનો પગ પણ કારની અંદર ફસાઇ ગયો હતો જેથી તેને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા થઇ હતી.
ત્યારબાદ અકસ્માત કરનાર ટ્રક ચાલક મોહંમદ પાડો સાહેબ શેખાવત અન્સારી (રહે.જીઆવ બુડિયા ચોકડી, સુરત, મૂળ રહે.બિહાર નાઓની સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ હતી. જેથી આ કેસ ઉચ્છલના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી જતા જજ નાઓએ ટ્રક ચાલકને સજાનો હુકમ કર્યો હતો અને કસૂરવાર ઠરેલા આરોપી ટ્રક ચાલકને વિવિધ કલમો હેઠળ 03 વર્ષ 07 માસની સાદી કેદની સજા તથા રૂપિયા 1900/-નો દંડ તથા ભોગ બનનાર દંપતીના બે દીકરા મયંક અને નીલને વળતર પેટે 50-50 હજાર રૂપિયાની રકમ 30 દિવસમાં ચુકવવાનો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500