વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત સોનગઢ તાલુકાની ૧૫૦ જેટલી બહેનો માટે જિલ્લા વહિવટીતંત્ર-તાપી અને ગાંધી વિદ્યાપીઠ, વેડછી અને રંગવેષ ફાઉન્ડેશનના સહયોગથી ખાદી ઉદ્યોગ આધારિત ચરખાથી ખાદીની પૂણી બનાવવાની તાલીમ, પ્રોડક્ટ માર્કેટીંગ તાલીમ, અમ્બર ચરખા તથા લુમ્સ દ્વારા ખાદીની બનાવટની તાલીમ, ડીઝાઈનીંગ તાલીમ, પ્રોડક્ટ પ્રોડક્શન તાલીમ, હેન્ડ & મશિન એમ્બ્રોડરી તાલીમ, ખાદી પર ડાઈંગની અને પ્રિન્ટીંગની તાલીમ વગેરે જેવી વિવિધ પ્રકારની તાલીમો દ્વારા ૧૫૦ જેટલી બહેનો આત્મનિર્ભર બની કાયમી રોજગારી મેળવે તે માટે આદર્શ નિવાસી શાળા ઉચ્છલ ખાતે ખાદી આધારિત તાલીમ વર્ગની શરૂઆત કરવામાં આવી છે.
આ તાલીમમાં સોનગઢ તાલુકાની ગ્રામિણ અને શહેરી વિસ્તારની બહેનોને સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બેહેનોને વિવિધ પ્રકારની તાલીમ આપી તેઓ દ્વારા ઉત્પાદન કરેલ ખાદીની બનાવટોનું માર્કેટ લિંકેજ સુધીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આગામી સમય દરમિયાન આ યોજના હેઠળ મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુસરતી અને સ્વ. જુગતરામ દવેના ચિંધેલા માર્ગે ચાલતી ગાંધી વિદ્યાપીઠ-વેડછીના વિશેષ સહયોગ થકી એક્ષપર્ટ ટ્રેનરો દ્વારા વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, ગાંધી વિદ્યાપીઠ-વેડછી દ્વારા ઘણા વર્ષોથી તાપી જિલ્લામાં યુવક-યુવતીઓ આત્મનિર્ભર બનાવવા હેતુ વિવિધ વિકાસ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવેલ છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500