વ્યારાથી ત્રણ વાહનોમાં 15 જેટલી ભેંસ ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જતાં ત્રણ વાહન ચાલકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડી 1.5 લાખની ભેંસો અને 5 લાખના વાહનો મળી કુલ રૂપિયા 6,50,000/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, સોનગઢ પોલીસ દ્વારા ગૌમુખ દોણ ગામ રસ્તે જંગલ વિસ્તારમાં ગેરકાયદે હેરાફેરી અટકાવવા માટે ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. જયારે સોનગઢ પોલીસનો સ્ટાફનાં માણસો બુધવારે સવારે વાહન ચેકીંગમાં હતા તે સમયે એક આઈશર ટેમ્પો નંબર જીજે/26/ટી/9165 પસાર થઈ રહ્યો હતો તે સમયે પોલીસે ટેમ્પાને અટકાવી તેમાં તપાસ હાથ ધરતા ટેમ્પા માંથી ખીચોખીચ સ્થિતિમાં ભરવામાં આવેલી 09 ભેંસો મળી આવી હતી.ત્યારબાદ થોડા જ સમયમાં બે બોલેરો પીક અપ વાન પણ ત્યાં આવી હતી. તેમાંથી પણ કુલ 06 ભેંસ મળી આવી હતી. જોકે આ ત્રણેય વાહનના ચાલકોની પૂછપરછ કરવામાં આવતાં આ પૈકીની કેટલીક ભેંસોના માલિક નસીરા ઇબ્રાહિમ (રહે. જેસિંગપુરા,વ્યારા) એ ભરાવી હતી અને બાકીની ભેંસો જુદા-જુદા ગામોમાંથી ભરવામાં આવી હતી અને મહારાષ્ટ્રના ધૂળિયા ખાતે વેચાણ અર્થે લઈ જવામાં આવતી હતી તેવું જાણવા મળ્યું હતું. જોકે પોલીસને વાહન ચાલકો પાસે ભેંસ વહન કરવા માટે જરૂરી કાગળ કે મંજૂરી પણ મળી આવી ન હતી.આમ, પોલીસે રૂપિયા 1,50,000/-ની કિંમતની 15 ભેંસ અને ટેમ્પો સહિત ત્રણ વાહનો કે જેની કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ રૂપિયા 6,50,000/-નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ વસીમ અજીમખાન પઠાણ (રહે.બુહારી તા.વાલોડ), સદામઅલી હસનઅલી આલેસર અને મહોમ્મદઅલી હસનઅલી આલેસર (બંને રહે.જેસિંગપુરા, તા.વ્યારા) ના ઓની ધરપકડ કરી તેમની સામે ગુજરાત પશુ પ્રાણી હેરફેર નિયંત્રણ હુકમ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500