આદિવાસી હક્ક સંરક્ષણ સમિતિ કુકરમુંડાનાં આગેવાનો દ્વારા આજરોજ ગુજરાત રાજ્યના પાંચમી અનુસૂચિ અંતર્ગત આવતા વિસ્તારમાં તથા પેસા કાનૂન અંતર્ગત આવતા વિસ્તારમાં લે.રે.કોડની કલમ 73A તથા 73AA અને નવી શરતની જમીનની જોગવાઈઓ યથાવત રાખવા બાબતે કુકરમુંડાનાં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આદિવાસી હક્ક સંરક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર અનુસાર, સમગ્ર ગુજરાતમાં અને આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજનો જીવનનો મુખ્ય આધાર ખેતી છે અને ખેતી સિવાય વંશ પરંપરાગત ચાલતો બીજો કોઈ વ્યવસાય નથી. આદિવાસી સમાજની અંગ્રેજો સામેની લડાઈમાં ક્રાંતિમાં દેશને આઝાદીની સાથે સાથે જમીન સંરક્ષણનો મુખ્ય મુદ્દો રહ્યો છે.
અંગ્રેજો અને શાહુકારો આદિવાસીઓની જમીન પચાવી પાડશે લોભ-લાલચ આપી જમીન વેચાણ રાખશે અને આદિવાસી જમીન વિહોણા થઈ જશે એવું વિચારી 1901માં આદિવાસીઓની જમીન વેચાણ કરવા તબદીલ કરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ભારતની આઝાદી પછી પણ આદિવાસીઓની જમીન સુરક્ષિત કરવા અને આદિવાસીઓ જમીન વિહોણા થતા અટકાવવા 1961માં 73A દાખલ કરી 1982માં 73AAની જોગવાઈ કરી નવી શરતની જમીન જૂની શરતમાં તબદીલ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આદિવાસી સમાજ ઉકાઈ અને નર્મદા ડેમમાં હજારો એકર જમીન ગુમાવી ચૂક્યો છે અને હવે આદિવાસી સમાજ પર વધારે જમીન રહી નથી અને આવા સમયમાં આદિવાસીઓ જમીનની તબદીલ પર મૂકવામાં આવેલ પ્રતિબંધ હટાવવામાં આવશે તો આદિવાસીઓ જમીન વિહોણા થઈ જશે અને આવનાર સમયમાં આદિવાસીઓના વારસદારો ભૂખે મરશે.
વર્તમાન સમયમાં સત્તાધારી પક્ષો સાથે રહેનાર કેટલાક આદિવાસી નેતાઓ અન્ય પૈસાદાર સમાજના હાથ બની સરકારશ્રીને ગેરમાર્ગે દોરી આદિવાસીઓની જમીનો પર મૂકવામાં આવેલ પ્રતિબંધો હટાવવા માટે સરકારમાં રજૂઆત કરી રહ્યા છે.
સરકારશ્રીએ આવી ખોટી રજૂઆતો સાંભળી આદિવાસીઓની જમીનો પર મૂકવામાં આવેલ પ્રતિબંધો જેવા કે 73A, 73AA અને નવી શરતની જમીન જૂની શરતોમાં તબદીલ કરવામાં આવશે તો સમગ્ર આદિવાસી વિસ્તારોમાં આવા તકસાધુ સમાજને નુકસાન કરનાર નેતાઓનો બહિષ્કાર કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500