સમગ્ર રાજયમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શ્રૃંખલામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા દુમદા અને પીપળકુવા ખાતે યોજાયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રાજયના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. દુમદા અને પીપળકુવા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ શિક્ષણનું મહત્વ સમજાવી કોઇપણ સમાજે વિકાસના પથ પર અગ્રેસર થવું હશે તો શિક્ષણ મેળવવું જ પડશે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટે રૂા.૪૭૭૪ કરોડની બજેટમાં જોગવાઇ કરવામાં આવી હોવાનું ઉમેરી તેમણે સોનગઢ તાલુકામાં રૂા.૧૨.૫૪ કરોડના ખર્ચે ૯૦ નવા ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
રાજય સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી તેમણે તાજેતરમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નમો લક્ષ્મી અને નમો સરસ્વતિ યોજના અંગે પણ વિગતે સમજ આપી હતી. બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષક અને વાલીની ભૂમિકા અંગે માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે, વાલીઓએ પણ બાળકના શિક્ષણ અંગે શિક્ષકો જેટલી જ કાળજી રાખવી પડશે એમ કહી તેમણે શાળામાં ભણવા આવતા તમામ બાળકો પોતાના જ બાળકો છે એમ સમજી શિક્ષકો બાળકોને કેળવણી આપે એવી અપેક્ષા પણ તેમણે વ્યકત કરી હતી.
પીળકુવા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક ઉદ્દબોધન કરતા વિક્રમભાઇ ગામીતે માંડવી વિધાનસભા મતવિસ્તારમાં કરવામાં આવી રહેલા વિકાસકામોનો ચિતાર રજૂ કરી આ વિસ્તારમાં ૯૫ કરોડના રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા હોવાનું જણાવી તેમણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી તમામ વાલીઓ પોતાનું બાળક પુરેપુરૂં શિક્ષણ મેળવે એ બાબતની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ નાના ભૂલકાઓને આંગણવાડી, બાલ વાટિકા અને ધો. ૧ શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ ઉપરાંત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા. ગામના વયોવૃદ્ધ નાગરિકોનું પણ મંત્રીએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. શાળાના બાળકોએ વિવિધ વિષયો પર તેમના અભિપ્રાયો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજીભાઇ હળપતિએ ગામની વિધવા બહેનોને સાડીનું વિતરણ કર્યું હતું તેમજ બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપી હતી. મંત્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકોએ કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500