મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણનાં બરડીપાડા માંથી પીકઅપ ટેમ્પોમાં ઈંડાની આડમાં લઈ જવાતો રૂપિયા 3.42 લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જયારે ટેમ્પો ચાલક અંધારાનો લાભ ઉઠાવી જંગલનાં રસ્તે ભાગી જતાં પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ,તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આહવા ડાંગનાં વઘઈ તાલુકા તરફથી એક સફેદ કલરની પીકઅપ ટેમ્પો જેમાં ઈંડા ભરેલ હોય અને ઈંડાની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પીપલપાડા-ડોલવણ રોડ ઉપરથી આગળ જનાર છે.જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો વ્યારા-ભેંસકાતરી રોડ ઉપર ચાકધરા ગામ થઈ આગળ બરડીપાડા ગામની હદમાં રોડની સાઈડમાં વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળી પીકઅપ ટેમ્પો નંબર GJ/05/CU/7528ને પીપલવાડા તરફથી આવતાં જોઈ પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ટેમ્પો ચાલકે અંધારાનો લાભ ઉઠાવી ટેમ્પો રીવર્સ લેવા જતાં જ્યાં સીંગલ રોડ હોય બરડીપાડા ગામનાં ઉપલા ફળિયાની સીમમાં ચાલકે ટેમ્પો રોડની સાઈડમાં નીચે ઉતારી દીધેલ અને પીકઅપ રોડની સાઈડમાં આડું થઈ જતાં ચાલક અંધારાનો લાભ ઉઠાવી ફળિયાનાં ભાગેથી જંગલનાં રસ્તેથી ભાગી છૂટ્યો હતો.
તપાસ કરતા પોલીસે ટેમ્પોનાં પાછળનાં ભાગે ઈંડા ભરેલ પ્લાસ્ટીકની ડીશ હતી અને અંદરનાં ભાગે ચેક કરતા ઈંગ્લીશ દારૂનાં બોક્ષ જોવા મળ્યા હતા. જેથી ગામનાં નજીકનાં માણસો ભેગા થઈ જતાં એક બીજી પીકઅપ વાહન મંગાવી પકડાયેલ પીકઅપ વાહન રોડની સાઈડમાંથી ટોચન કરી બહાર કાઢતા તેમાંથી ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાંડનો ઈંગ્લીશ દારૂનાં 70 નંગ બોક્ષ જેમાં કુલ 2028 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 3,42,000/- હતી. આમ પોલીસે પીકઅપ ટેમ્પો જેની કિંમત રૂપિયા 5,00,000/- અને ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 3,42,000/- મળી કુલ રૂપિયા 8,42,000/-નો મુદ્દામાલ કબ્જે કરી પીકઅપ ટેમ્પોનાં ચાલકને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500