તાપી જિલ્લાના પ્રભારી અને નર્મદા,શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલના હસ્તે જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે ૭૨મા પ્રજાસત્તાક પર્વની રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે દબદબાભેર જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
દેશની આન, બાન અને શાન સમા તિરંગાને સલામી આપી પોલીસ પરેડનું નિરીક્ષણ કરી માર્ચપાસ્ટની સલામી ઝીલી પ્રજાજોગ સંબોધન કરતા મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે, પૂ.ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ,શ્યામજીકૃષ્ણ વર્મા,વીર ભગતસિંહ સહિત અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોના બલિદાનને ગૌરવપૂર્વક યાદ કરી દિવ્ય અને ભવ્ય ભારત નિર્માણના સ્વપ્નને સાકાર કરવા પ્રતિબધ્ધ બનીએ.
મંત્રીશ્રીએ દેશ માટે જીવન કુરબાન કરવાની તક આપણને મળી નથી પરંતુ દેશને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે જીવવાને અને કામ કરવાની મળી આ તકનો લાભ લઈ આપણા રાજ્ય અને રાષ્ટ્રને દૈદિપ્યમાન બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવા ઉપસ્થિત સૌને હાકલ કરી હતી.
તેમણે તાપી જિલ્લાના પ્રજાજનોને ૭૨મા પ્રજસત્તાક પર્વની શુભકામના પાઠવી સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદવીરોને પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે એકતામાં અપાર શકિત છે તેમ જણાવી ઉમેર્ય કે, કોરોના નામનો અદ્ર્શ્ય દુશ્મન ભારત સહિત સમગ્ર વિશ્વને ગુલામ બનાવવા મથી રહ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાત અને દેશે એક બની એની સામે મક્કમ મુકાબલો કરતા કોરોનાનો શિકાર બનેલા આપણા બાંધવો સ્વસ્થ થઈ રહ્યા છે. સૌના સહિયારા પુરૂષાર્થથી ગુજરાતનો રીકવરી રેટ ૯૬ ટકાથી પણ વધારે રહ્યો છે. રાજ્ય અને રાષ્ટ્ર વાસીઓને કોરોના સામે સુરક્ષિત રાખવા શંસોધિત રસીને સુવ્યવસ્થિત અને આયોજનબધ્ધ રીતે આપવાનું આયોજન કરી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષિત રાખવાનું મબૂત અને સુદઢ આયોજન ગુજરાત સહિત સમ્ગ્ર દેશમાં કરવામાં આવ્યુ છે તેમ જણાવ્યું હતુ.
મંત્રીશ્રીએ જનજનના સહયોગથી ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણ માટે ઉત્તમથી સર્વોત્તમ તરફનું પ્રયાણ ગુજરાતે આરંભ્યુ છે તેમ જણાવી પ્રજાસત્તાક પર્વના આ પાવન દિને વિકાસયાત્રાને વધુ બળવત્તર બનાવવા અને ખુણેખુણાના વિકાસ માટે આગળ આવી દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવા માટે હ્યદયપૂર્વક કટિબધ્ધ બની આગામી દિવસોમાં ગુજરાત અને દેશની આન બાન તથા શાન જળવાઈ રહે અને દેશની પ્રતિષ્ઠાને આંચ ન આવે તે માટે ખભેખભા મિલાવી આગળ વધવા અનુરોધ કર્યો હતો.
દરમિયાન જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, તથા સ્થાનિક કલાકારોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી, માહોલને દેશભક્તિના રંગોથી રંગી દીધો હતો. શ્રેષ્ઠ કૃતિઓને મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો પણ અપાયા હતા.
આ વેળા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીશ્રી સન્મુખલાલ શાહનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ. ઉપરાંત કોરોના દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ડોક્ટર કર્મીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત સંલગ્ન હોસ્પિટલોને ફેલિસીટેટ કરવા પ્રમાણપત્ર વિતરણ કરી સન્માન કરાયું હતુ. આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500