Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : ડાંગી થાળી, વસાવા થાળી, ગુજરાતી થાળીના વિવિધ સ્વાદિષ્ટ પકવાનો જીતી રહ્યા છે મુસાફરોના દિલ

  • March 08, 2023 

નારીશક્તિને આત્મગૌરવ આપતા રાજ્યના નારી ઉત્કર્ષ નિર્ણયોથી સમાજમાં ક્રાંતિ આવી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના “આત્મનિર્ભર ભારત”ના લક્ષ્યને સિધ્ધ કરવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવું જરૂરી છે.  આજે 8મી માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિન સમગ્ર વિશ્વ આજે મહિલાઓની સિધ્ધિઓને સન્માન આપી રહ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના છેવાડાનો તાપી જિલ્લો પણ બાકાત નથી. તાપી જિલ્લામાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતા વધારે છે. જાગૃત રીતે મતદાન કરવું હોય કે જિલ્લાની ધુરા સંભાળવી હોય તાપી જિલ્લામાં મહિલાઓનો જ ડંકો વાગે છે.


આજે જિલ્લાના સમાહર્તા પોતે એક મહિલા આઇ.એ.એસ સુશ્રી ભાર્ગવી દવે છે. પ્રાયોજના વહિવટદારશ્રી અંકિતા પરમાર છે. ડીસી-1 તૃપ્તિ પટેલ છે. જિલ્લા શિક્ષણાધિકારી ધરા પટેલ છે. પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત સહિત ક્લાસ 1-2 અને 3 મળી અનેક મહિલાઓ તાપી જિલ્લાનું પ્રસાશન બખુબી સંભાળી રહી છે. આ ઉપરાંત પદાધિકારીઓમાં પણ મહિલાઓ અગ્રેસર છે.આ ઉપરાંત સમગ્ર ભારતનું ગૌરવ સમાન પદ્મશ્રી રમીલાબેન ગામીત પણ તાપી જિલ્લાના જ છે ત્યારે તાપી જિલ્લાની ગ્રામિણ મહિલાઓ આત્મનિર્ભર ન હોય એ બને જ કેવી રીતે?


સરકારશ્રી દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેઓની કલા અને આવળતને યોગ્ય દિશા આપવા અનેક યોજનાઓ કાર્યરત છે. પ્રાયોજના વહિવટદારની કચેરીના માધ્યમથી વિવિધ યોજનાઓમાં ગ્રાંટ મંજુર કરી નાગરિકોને સહાય આપવામાં આવે છે.


તાપી જિલ્લામાં વિવિધ યોજનાઓ થકી આત્મનિર્ભર બનેલ મહિલાઓના ઉદાહરણો અઢળક છે પરંતું આજે વાત કરીશું નિઝર તાલુકાના આદિવાસી સમાજની આદિજાતીની મહિલાઓની જેઓ માટે સ્વરોજગાર મેળવી આત્મનિર્ભર બનવું એક સ્વપ્ન સમાન હતું. જેને પુરૂં કરવામાં મદદરૂપ બની છે વર્તમાન સરકાર અને તાપી જિલ્લા તંત્ર.


તાપી જિલ્લાના છેક બોર્ડ ઉપર આવેલ નિઝર તાલુકાના બોરદા ગામ ખાતે હાઇવે ઉપર એક નાહરી કેન્દ્ર ફક્ત એક મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું છે. પરંતું એક મહિના જેટલા નાના સમય ગાળામાં પણ આ કેન્દ્ર લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.


નાહરી કેન્દ્ર ખાતે જમવા આવેલા મુસાફરોમાંથી એક ગામીત જસવંતભાઇ નાહરી કેન્દ્ર વિશે પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, “આદીવાસી સમાજ માટે ગૌરવ સમાન આ નાહરી કેન્દ્ર છે. જેને આપણા જ સમાજની બહેનો દ્વારા ચલાવવામાં આવે છે. આ કેન્દ્રમાં શુધ્ધ-સ્વાદિષ્ટ,સસ્તુ અને ઘર જેવું જમવાનું મળે છે.” જસવંતભાઇ પોતે ડ્રાઇવર છે અને તેઓના અનુસાર તેમની સાથેના ઘણા ડ્રાઇવરો અહિનું જમવાનું પસંદ કરે છે. તેમણે “નિઝર બાજુ આવો તો જરૂર આ નાહરી કેન્દ્રનું જમવાનું માણવું જોઇએ” એમ આગ્રહ કર્યો હતો.


નાહરી કેન્દ્રના શ્લોક સખી મંડળના સભ્ય-ચેતનાબેન પાડવી જણાવે છે કે, “અમે 10 બહેનો મળીને “શ્લોક સખી મંડળ” દ્વારા નાહરી કેન્દ્રની શરૂઆત કરી છે. અમે પહેલા પાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. વ્યારા ખાતે આવેલા વનશ્રી નાહરી કેન્દ્રમાં મહિલાઓને ખુબ સારી રીતે કામ કરતા અને સારી આવક મેળવતા જોઇ અમને પણ અમારા વિસ્તારમાં નાહરી કેદ્ન શરૂ કરવાનો વિચાર આવ્યો. આ માટે પ્રાયોજના વહિવટદારની કચેરી સોનગઢ તથા ગુજરાત આદિજાતી વિકાસ ગાંધીનગરના માધ્યમથી પાંચ લાખની લોન મળી છે. જેના થકી અમે નાહરી કેદ્ન્ર નિઝર તાલુકાના બોરદા ગામ ખાતે હાઇવેની બાજુમાં શરૂ કર્યું છે. અમને ફક્ત એક મહિનો જ થયો છે. પરંતું લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાઇવે પર હોવાથી રોજના 20 થી 25 ડીશનું અમે વેચાણ કરીએ છીએ જેનાથી ખર્ચો બાદ કરતા રોજના 4 થી 5 હજારની આવક મેળવી રહ્યા છે. નાહરી કેન્દ્ર દ્વારા મળતી આવક થકી અમે આત્મનિર્ભર બન્યા છે. જેના માટે અમે સરકારશ્રીના અને જિલ્લા તંત્રના આભારી છીએ.”


સુખી અને સાધન સંપન્ન પરિવાર માટે આ આવક સામાન્ય લાગે પણ છેવાડાના સામાન્ય વ્યક્તિ માટે પોતાના ઘરની મહિલાઓને રોજગારી મેળવી દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરતા જોવું એ ખુબ જ ગૌરવ અને ઉત્સાહની બાબત છે. જેના માટે સમગ્ર તાપી જિલ્લો આવી અનેક બહેનોની કામગીરીની સરાહના કરી તેઓના ઉત્સાહમાં વધારો કરી રહી છે. ભારતને વિશ્વ ગુરૂ બનાવાની દિશામાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી રહ્યું છે ત્યારે તાપી જિલ્લાના છેક છેવાળે આવેલા નિઝર તાલુકાની આદિજાતીની મહિલાઓ પોતાના કર્મ દ્વારા તાપીનું નામ ઉજાગર કરી રહી છે. આવી તમામ બહેનોને આજે 8મી માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિને શત શત નમન.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application