Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : વન વિભાગના સ્ટાફ ઉપર કુહાડી વડે હુમલો

  • June 18, 2023 

સોનગઢના વાજપુર રેન્જ વિસ્તારમાં આવેલ ગવલણ (જુના આમલપાડા) ગામ માંથી વન વિભાગે એક ઇસમના ઘરમાંથી જંગલ ચોરીના લાકડાંમાંથી બનાવેલા ફર્નિચર અને સાગી પાટિયા કબ્જે લીધાં હતાં. જોકે આ બાબતની અદાવત રાખી ચાર ઇસમોએ જંગલમાં લાગેલા દવ બુઝાવવા માટે જઈ રહેલા વન વિભાગના સ્ટાફને રોકી ગાળા ગાળી કરી એક આરોપીએ પોતાની પાસે રહેલ કુહાડી વડે બે રોજમદાર પર હુમલો કર્યો હતો.


મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના વાજપુર રેન્જના આરએફઓ હિતેન્દ્ર ચૌધરીને અરજી મળી હતી કે ગવલણ ગામમાં રહેતાં સિંગા ડુંગરિયા વસાવા અને તેમના પુત્ર દિલીપ સિંગા વસાવાના ઘરમાં જંગલ ચોરીના સાગી લાકડાંમાંથી બનાવેલા ફર્નિચર છે અને સાગી પાટિયા પણ સંગ્રહ છે. આ અંગે તેઓએ સ્ટાફને સાથે રાખીને સિંગા વસાવાના ઘરે રેડ કરતાં સિંગા અને દિલીપ વન વિભાગના સ્ટાફને જોતા તાપી નદી તરફ નાસી ગયાં હતાં.સ્ટાફ દ્વારા ઘરમાં તપાસ કરવામાં આવતાં પાસ વગરના સાગી લાકડાંમાંથી બનાવેલા ફર્નિચર અને પાટિયા કબ્જે લેવામાં આવ્યાં હતાં અને વિભાગના રાણીઆંબા ડેપો ખાતે જમા કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન આ જ સમયે વાજપુર રેન્જના જંગલ વિસ્તારમાં દવ લાગ્યો હોવાનો સંદેશો મળતાં વન વિભાગનો સ્ટાફ સરકારી વાહનમાં સ્થળ પર જવા નીકળ્યો હતો.આ સમયે ગવલણ ગામની સીમમાં પુલ પાસે રસ્તા પર પથ્થર ગોઠવી દેવામાં આવ્યાં હતાં અને ચાર ઇસમો સરકારી વાહન સામે ઊભા રહી ગયાં હતાં. તેઓએ કહ્યું અમારે ત્યાંથી કબ્જે કરેલું ફર્નિચર પરત આપી દો. ત્યારે અધિકારીએ જણાવ્યું કે તમે ઓફિસે આવો આ દરમિયાન ઉશ્કેરાટમાં આવી ગયેલા સિંગા વસાવા, દિલીપ સિંગા વસાવા, પ્રવીણ નરેશ વસાવા અને રસિક પ્રભુ વસાવા તમામ રહે. ગવલણએ સ્ટાફ સાથે ગાળા ગાળી કરી ઝપાઝપી પણ કરી હતી.


દરમિયાન રસિક પ્રભુ વસાવાએ પોતાની પાસે રહેલ કુહાડી વડે વન વિભાગના રોજમદાર ઉબડીયા વેડિયા વસાવાને માથામાં ઘા મારી દેતા તેઓ લોહીલુહાણ થયા હતા જ્યારે અન્ય એક ગૌતમ કવાડ નામના કર્મચારીને પણ હાથમાં ઇજા થઇ હતી. જેથી બંને કર્મચારીને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતાં. આ બનાવ અંગે રેન્જરે ચારે ઇસમો સામે કાયદેસરની ફરજમાં રુકાવટ અને હુમલો કરવા બાબતે પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application