મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં ખોખસા ગામનાં જંગલમાંથી મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતાં કાચા રસ્તા ઉપરથી એક યુવકને દેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન બીટ નંબર-3માં પ્રોહી.ગુના અંગેની રેડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખોખસા ગામનાં જંગલમાં મહારાષ્ટ્ર રાજ્ય માંથી આવતાં કાચા રસ્તા ઉપરથી એક કાળા કલરની બાઈક ઉપર એક યુવક બેગમાં દેશી દારૂની બાટલીઓ ભરી ખોખસા તરફ આવનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમી વાળી જગ્યા ઉપર વોચમાં ઉભા હતા. તે સમયે જંગલના કાચા રસ્તા તરફથી એક યુવકને બાઈક નંબર GJ/26/AD/3469 ઉપર આવતાં જોઈ પોલીસે ઈશારો કરી બાઈકને ઉભી રખાવી હતી.
ત્યારબાદ બાઈક ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ. પ્રદીપભાઈ રામુભાઈ કોંકણી (ઉ.વ.23, રહે.મોટા તારપાડા ગામ, ચીકારી ફળિયું, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું અને બાદમાં પોલીસે યુવક પાસેના કાળા બેગમાં તપાસ હાથ ધરતા બેગ માંથી વગર પાસ પરમીટે દેશી દારૂની કુલ 85 બોટલો મળી આવી હતી. જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો નવાપુર ખાતેથી પોતાના ઘરે છૂટક વેચાણ કરવા માટે લાવેલ હતો.
આમ, પોલીસે દેશી દારૂની કુલ 85 બોટલો જેની કિંમત રૂપિયા 4,250/- તેમજ બાઈક મળી કુલ રૂપિયા 34,250/- રૂપિયા કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પકડાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500