Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : 181 અભયમ હેલ્પલાઈન સેવા મહિલાઓ માટે બની હમદર્દ

  • January 07, 2021 

સમાજની પ્રત્યેક મહિલાઓને ઘરેલુ હિંસા સહિત વિવિધ પ્રકારની હિંસાથી તાત્કાલિક ધોરણે બચાવવા તથા મદદ માટે ‘અભયમ 181 હેલ્પલાઈન’ કાર્યરત છે જે 24 કલાક મહિલાઓની મદદ માટે તત્પર રહે છે. જેમાં મહિલાઓને માર્ગદર્શન તથા મદદ તો કરવામાં આવે જ છે પરંતુ સાથે મહિલાઓને કાઉન્સિલિંગ પણ પૂરુ પાડવામાં આવે છે. મહિલાઓને અભય વચન આપતી 'અભયમ 181 હેલ્પલાઇન' પર આવતા દરેક ફોનમાં કોઇ ને કોઇ મહિલાની તકલીફ છુપાયેલી હોય છે. કોઈ પણ પીડિત મહિલા સાથે થતી હિંસા જેવી કે શારીરિક, માનસિક, આર્થિક તેમજ કાર્યના સ્થળે જાતીય સતામણી, લગ્નજીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, સોશિયલ મીડિયાના માધ્યમથી થતી હેરાનગતિ કે છેડતી અને રેપ કેસ, જાતીય તેમજ બાળજન્મને લગતી બાબતો માટે મહિલાઓ 24 કલાક મદદ માંગી શકે છે, સાથે અભયમ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી પણ આપે છે. એટલે જ અભયમ દરેક જરૂરિયાતમંદ મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ સાબિત થઈ છે. 

 

 

 

181 અભયમને વિતેલા વર્ષ 2020 દરમિયાન તાપી જિલ્લામાં મળેલા કોલની વિગત જોઇએ તો ઘરેલુ હિંસાના કુલ 2598, ટેલીફોનિક/મોબાઇલ દ્વારા હેરાનગતિના 130, વ્યસન આલ્કોહોલ દ્વારા હેરાનગતિના 1195 અને બાળલગ્ન અટકાયત બાબતના 9 કેસ મળ્યાં હોવાનું 181 અભયમ દ્વારા જણાવાયું છે. ગુજરાત સરકાર દ્વારા ખાસ મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલ છે. ‘અભયમ 181 હેલ્પલાઈન’ સાથે કરવામાં આવેલા સંપર્કનો રેશિયો પણ વધ્યો છે અને અભિયમે તમામ મહિલાઓનાં પ્રશ્નોને વાચા આપી છે અને માર્ગદર્શન આપી મદદ પણ કરી છે. 

 

 

 

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે 181 નંબરની ટોલ ફ્રિ હેલ્પલાઈન સેવા શરૂ કરવાનો એક માત્ર ઉદ્દેશ્ય હતો કે મહિલાઓની સુરક્ષા અને મહિલાઓનાં પ્રશ્નોને વાચા આપવી તથા તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવું. અભયમ મુજબ રાજ્યમાં ઘરેલુ હિંસાનાં આવેલા કોલ્સની વર્ષ વાઈઝ વાત કરીએ તો 2014માં અભયમ હેલ્પલાઈન પર 2514 કોલ આવ્યા હતા, જેમાં બીજા જ વર્ષે મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 2015માં 21633 કોલ્સ, 2016માં 30490, 2017માં 31257, 2018માં 40214, 2019માં 47567 અને 2020માં કોલ્સનો આંકડો 50550 પહોંચ્યો હતો અને આ સાથે અત્યાર સુધી કુલ 2 લાખ 24 હજાર 219 મહિલાઓએ ઘરેલું હિંસાને લઈને કોલ્સ કર્યા છે. 

 

 

 

પાડોશી સાથેનાં વિખવાદ/ઝગડાઓ અંગે કોલ્સની વિગતવાર વાત કરીએ તો 2015માં 2543 કોલ્સ, 2016માં 5324, 2017માં 5603, 2018માં 6637, 2019માં 9015 અને 2020માં 9016 સાથે અત્યાર સુધી આ મામલે કુલ 37934નો સંપર્ક અભિયમ સાથે થઈ ચૂક્યો છે. ટેલિફોનીક તથા બિનજરૂરી મોબાઈલ દ્વારા હેરાનગતિ થવાના અત્યાર સુધી કુલ 18795 સંપર્ક કરાયા છે જેમાં 2014માં 579 કોલ્સ, 2015માં 2133, 2016માં 2738, 2017માં 3473, 2018માં 4031, 2019માં 1519 અને 2020માં 2322 કોલ્સ કરાયા હતાં.

વ્યસન/આલ્કોહોલ બાબતે તથા તે દ્વારા પણ મહિલાઓ હેરાન થઈ હોય તો તેને લઈને અત્યાર સુધી કુલ 51660 કોલ્સ કરાયા છે. 2015માં 1170 કોલ્સ, 2016માં 5429, 2017માં 9614, 2018માં 12329, 2019માં 13403 અને 2020માં 9115 કોલ્સ કરાયા હતાં. સાથે બાળલગ્ન અટકાવવાને લઈને પણ અભિયમનાં 181 ટોલ ફ્રિ હેલ્પલાઈન નંબર પર અત્યાર સુધી 931 કોલ્સ થઈ ચૂક્યા છે. 2015માં 41, 2016માં 173, 2017માં 143, 2018માં 174, 2019માં 271 અને ગત વર્ષે 129 કોલ્સ કરાયા હતાં.

 

 

 

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ દ્વારા કાર્યરત અભયમ હેલ્પલાઇનને દિન-પ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. GVK EMRI દ્વારા અતિ આધુનિક ઈમરજન્સી સેન્ટર દ્વારા સંચાલન થઈ રહ્યું છે. કોઈ પણ પીડિત કે મુશ્કેલીઓનો સામનો કરી રહેલી મહિલાઓને તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને બચાવની સુવિધા મળી છે. જેથી મહિલાઓ આજે “અભયમ” ને એક હમદર્દ તેમજ 'સહેલી' તરીકે પોતાની આપવિતી જણાવી મદદ મેળવી રહી છે. 

 

 

 

સામાન્ય સમયમાં ઘરેલુ હિંસાના કોલ 24 થી 26 ટકા જેટલા રહેતા હતા, જે કોવિડ-19ના સમયગાળા દરમિયાન 42 થી 44 ટકા જેટલું પ્રમાણ રહેવા પામ્યું હતું. લોકડાઉનના સમયમાં પણ ઈમરજન્સી કોલ સેન્ટર અને ફિલ્ડ સ્ટાફે 24 કલાક પોતાના જાનના જોખમ સાથે કોવિડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલાઓને સુરક્ષા પહોંચાડી ઉમદા કામગીરી કરી છે. મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર અભયમે કોરોનાકાળમાં પણ કોરોના વોરિયર તરીકે અવિરત સેવાઓ પુરી પાડી છે. પીડિત  મહિલાઓ પાસે પહોંચી હૂંફ પુરી પાડી તેમના દુઃખમાં ભાગ લઈ હિંમત અને સધિયારો આપી ઝિંદાદીલીથી જીવવાનો અને મુશ્કેલીનો સામનો કરી કુટુંબ ભાવના કેળવવા પ્રેરિત કરવામાં આવે છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application